વાલીઓની સંમતીના અભાવે પ્રથમ દિવસે માત્ર 35 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ

267

વાપી સહિત વલસાડ જિલ્લામાં સોમવારથી ધો.9 અને 11ના વર્ગોનો વિધિવત પ્રારંભ થયો હતો,પરંતુ વાલીઓએ સમંતિ ન આપતાં શાળાઓમાં સરેરાશ 35 ટકા હાજરી જોવા મળી હતી.પ્રથમ દિવસે પાંખી હાજરીના કારણે વાલીઓમાં હજુ પણ કોરોના અંગે થોડો ડર હોવાનું પણ કહેવાય છે.જો કે શિક્ષણ વિભાગના મતે ધો.10 અને 12ના વર્ગોની જેમ થોડા દિવસોમાં ધો.9 અને 11ના વર્ગો જોવા મળશે.

વલસાડ જિલ્લામાં સરકારની એસઓપીના પાલન સાથે સોમવારે સરકારી અને ખાનગી શાળાઓમાં ધો.9 અને 11ના વર્ગોનો પ્રારંભ થયો હતો.વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની ખુબ જ પાંખી હાજરી જોવા મળી હતી.ધોે.9માં 317માંથી 260 શાળાઓમાં કુવ 22677 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

પરંતુ પ્રથમ દિવસે માત્ર 7952 એટલે કે 35 ટકા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતાં. જયારે ધો.11ની 317 પૈકી 260 શાળાઓમાં કુલ 12393 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે માત્ર 4436 વિદ્યાર્થીઓ આવતાં 36 ટકા જ હાજરી રહી હતી. ધો. 9 અને 11ના વર્ગોમાં પ્રથમ દિવસે 35 ટકા હાજરીથી ભારે આશ્વર્ય ફેલાયુ હતું. જો કે ગણતરીના દિવસોમાં હાજરીની સંખ્યા વધશે એવું શિક્ષણ વિભાગ જણાવી રહ્યું છે.

પ્રથમ દિવસેધો. 10 અને 12માં આવી સ્થિતી જોવા મળી હતી
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગના રાજેશ્રીબેન ટંડેલે જણાવ્યુ હતું કે ધો.10 અને 12ના વર્ગોની શરૂઆતમાં પ્રથમ દિવસે ઓછી હાજરી હતી.ત્યારબાદ હાજરીની ટકાવારી વધી હતી.તેવી જ રીતે ધો.9 અને 11ના વર્ગોમાં પ્રથમ દિવસે 35 ટકા વિદ્યાર્થીઓની હાજરી છે.

Share Now