સુરત ડુમસની સહેલગાહ બાદ બાઈક પર પરત ફરી રહેલા બે મિત્રોની બાઈક સ્લીપ થયા બાદ સાઈલન્ટ ઝોન પાસે એક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઘવાયેલા બન્ને મિત્રો પૈકી એક મિત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે ઈજાગ્રસ્ત મિત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.બનાવ અંગે પોલીસે બાઈક ચાલક મિત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડુમસ પોલીસ મથક અને હોસ્પિટલ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર,મગદલ્લા ભવાની સ્ટ્રીટ ખાતે રહેતા રામલગન અંબીકા પરીહાર(24) અંબુજા સિમેન્ટમાં ગાડી લોડીંગ કરવાનું મજૂરી કામ કરતા હતા.સોમવારે તેઓ તેમના મિત્ર રતન સુરેન્દ્ર શર્મા સાથે બાઈક પર ડુમસ ફરવા માટે ગયા હતા.
ત્યાંથી તેઓ પરત ફરતા હતા ત્યારે ડુમસ રોડ સાઈલન્ટ ઝોન ત્રણ રસ્તા પાસે બાઈક સ્લીપ થયા બાદ ડિવાઈડર સાથે ભટકાતા માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલા રામલગન પરીહારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે સુરેન્દ્ર શર્મા ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.બનાવ અંગે ડુમસ પોલીસે બાઈક ચાલક સુરેન્દ્ર શર્મા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છેકે, ભૂતકાળમાં ડુમસ રોડ પર વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે.લક્ઝરીયસ કાર અને સ્પોર્ટસ બાઈકના અકસ્માતો પર આ રોડ પર નોંધાયા છે


