
દિલ્હી પોલીસ કમિશનર એસ.એન.શ્રીવાસ્તવએ ઘાયલ પોલીસ જવાનોની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે,આ ઘણી અજીબ વાત છે. 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી દરમિયાન દિલ્હીમાં થયેલા રમખાણોમાં 510 પોલીસ જવાનો ઘાયલ થયા હતા.પરંતુ,ફક્ત ખેડૂતો વિશે જ વાત થઈ રહી છે.પોલીસ જવાનો વિશે ઘણાં વ્યક્તિઓના નિવેદન સાંભળીને આશ્ચર્ય થાય છે.રેલી દરમિયાન થયેલી હિંસામાં પોલીસ જવાનોએ તોફાની તત્વોને હિંસા અને અરાજકતા ફેલાવતા રોક્યા હતા.
ટ્રેકટર રેલી દરમિયાન ખેડૂતોએ રેલીનો રૂટ બદલતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને તોફાની તત્વોએ આક્રમક વલણ અપનાવી લાલ કિલ્લામાં પ્રવેશ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તોફાની તત્વોને લાલ કિલ્લાની બહાર નીકળવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.આ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર તલવાર,પથ્થર અને લાકડીઓથી હુમલો કર્યો હતો.
26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી બાદ,ખેડૂત સંગઠનની ટ્રેકટર રેલી વચ્ચે હજારોની સંખ્યામાં તોફાનીઓ દિલ્હીના લાલ કિલ્લામાં પ્રવેશ કરીને તેમનો ધ્વજ ફરકાવ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાબતે મન કી બાત પ્રોગ્રામમાં દુઃખ વ્યક્ત કર્યું હતું