ભાજપા પાર્લામેન્ટરી બોર્ડના નિયમોમાં અનુભવી કોર્પોરેટરોના પત્તા કપાઈ ગયા છે અને જાહેર કરાયેલા ઉમેદવારો અંગે વિવિધ 7 જેટલા વોર્ડોમાં દાવેદારો અને તેમના સમર્થકોમાં અસંતોષ પ્રવર્તતા શુક્રવારે કાર્યકર્તાઓનો ઘસારો દિવસભર પાટિલની અંબાનગર કાર્યાલયે તથા ઉધના કાર્યાલય ખાતે રહ્યો હતો. જાહેર કરાયેલા ઉમેદવારો સામે નારાજગી અને પોતાને ટિકિટ નહી મળી હોવા અંગેની રજૂઆતો કરવામાં આવતી હતી.
વોર્ડ નંબર-3,18,25,26,27,28,29ના કાર્યકર્તાઓ ટિકિટ ફાળવણીમાં અન્યાય થયો હોવાનો આક્રોશ ઠાલવતાં ઉધના કાર્યાલય ગજવી મુક્યું હતું.સવારથી જ અસંતુષ્ટ સેંકડો કાર્યકર્તાઓ આવી વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી અને ભાજપની ઉધના કાર્યાલયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ વોર્ડોના 150 જેટલા કાર્યકર્તાઓ પ્રાથમિક સભ્યપદેથી પોતાનું રાજીનામું શુદ્ધા આપી દીધાની બાબત સામે આવી છે.જોકે,આ રાજીનામા અંગે પક્ષ આગેવાનો ઇનકાર કરી રહ્યાં છે.વોર્ડ નં-3માં આયાતી ઉમેદવારને ટિકિટથી થયેલા વલોપાત સાથે સુત્રોચ્ચાર કરનાર ભાજપા કાર્યકરોએ શુક્રવારે પણ ચીકુવાડી ખાતે ટોળે વળી નિર્ણય બદલવાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો.
‘નવા નિશાળીયાઓને ટિકિટ ફાળવાઇ અમે બે દાયકાથી પક્ષ માટે કામ કરીએ છીએ’
ઉધના કાર્યાલય ખાતે હોબાળો મચાવનારાઓએ વિવિધ વોર્ડના પૂર્વ પ્રમુખે કાર્યકર્તાઓ રાજીનામા દર્શાવી દીધા હતાં અને રજૂઆત કરી હતી કે,વોર્ડ 28,29 અંદર સ્કાઇલેપ ઉમેદવાર આવ્યાં છે સ્થાનિકને ટિકિટ અપાઈ નથી.એવાને ટિકિટ આપી છે કે ઉમેદવારોએ જાતે ઓળખ આપવી પડે છે.
ઉધનાના ભાજપ કાર્યાલય તથા સી.આર.પાટીલના ભટાર ખાતેના બંગલા ઉપર પોલીસ ખડકી દેવાઈ
વોર્ડ નંબર 25,26,27,28,29 ના કાર્યકર્તાઓ અંબાનગર ખાતે સી.આર.પાટિલને રજૂઆત કરવા ગયાં હતાં અને જાહેર ઉમેદવારો સ્કાયલેપ જેવા છે સ્થાનિકને ટિકિટ અપાવવી જોઈએ તે સહિતનો બળાપો રોષિત કાર્યકર્તાઓ ઠાલવતાં જ પાટિલે પણ સંભળાવી દીધું હતું કે, એક પણ ઉમેદવારને હરાવી બતાવો.
કાર્યકર્તાઓમાં રોષ હતો સમજાવવામાં આવ્યાં હતાં
ટિકિટ ફાળવણી અંગે કાર્યકર્તાઓમાં રોષ તો હતો.રજૂઆત કરવા માટે ઘણાં આવતાં હતા અને તેઓને ટિકિટ કેમ નહીં અપાઈ તેવી રજૂઆતો હતી.તેથી સમજાવવામાં આવ્યાં હતાં. દાવેદારો વધુ અને લિમિટેડ બેઠક હોય છે તેથી પક્ષ નિર્ણય કરતી હોય છે તેમને સમર્થન આપવું જોઈએ. રાજીનામાની કોઈ વાત નથી.’-કિશોર બિંદલ, મહામંત્રી, ભાજપા


