સુરત પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રની ચકાસણી બાદ હવે 508 ઉમેદવારોની ઉમેદવારી પર મંજૂરીની મહોર લાગી છે. જ્યારે 776 ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવી છે. જોકે ઉમેદવારી પરત ખેંચવાનો એક દિવસ બાકી હોવાથી તા.9મી ફેબ્રુઆરીએ બપોર બાદ કયા વોર્ડમાં કોની કોની વચ્ચે જંગ ખેલાશે તેનુ ચિત્ર સ્પષ્ટ થશે.
સોમવારે પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારી પત્રોની ચકાસણી શરૂ થઇ હતી. 15 રિટર્નિંગ ઓફિસર દ્વારા બપોરે 3 સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી કામગીરી ચાલી હતી.જેમાં ભાજપના 120, કોંગ્રેસના 119 તેમજ આપના 114 ઉમેદવારો સહિત કુલ 508 ઉમેદવારીની ઉમેદવારી ગ્રાહ્ય રખાઈ હતી. જેના સામે 776 ઉમેદવારીપત્રને રદ કરાયા હતા. આપના બે ઉમેદવારીને રદ કરાઈ હતી. ઉમેદવારીપત્ર ચકાસણી દરમિયાન કોંગ્રેસ, આપના ઉમેદવારો દ્વારા વાંધા લેવાયા હતા. જેમાં પુરાવાને ધ્યાને લઇને કેટલાક વાંધા ફગાવાયા તો કેટલાકની ઉમેદવારી રદ કરી હતી. આપના સુશાંત કાપડીયાનું ફોર્મ રદ થતા તે આર.ઓની સામે ધરણા પર બેસી ગયા હતા. જેથી રાજકીય વાતાવરણમાં ગરમાટો આવ્યો હતો.
વોર્ડ નં. 2-3ના ROની ઢીલી કામગીરી, મોડે સુધી ચકાસણી
વોર્ડ નં.2- અમરોલી-મોટાવરાછા-કઠોર અને વોર્ડ નં.3, વરાછા-સરથાણા-સીમાડા-લસકાણાના રિટર્નિંગ ઓફિસર અધિક કલેક્ટર, સુડા, જી બી મુંગલપુરાની ઢીલી કામગીરીના કારણે બપોરે 3 વાગ્યે ઉમેદવારીપત્રની ચકાસણી કરવાનો સમય પુરો થઇ ગયો હોવા છતાં કામગીરી પૂર્ણ કરી શક્યા ન હતા. જેના કારણે ઉમેદવારો પણ સાંજ સુધી અટવાયા હતા.
બે સ્થળોએ મત યાદીમાં નામ
વોર્ડ નં.18 લિંબાયત- પરવટ- કુંભારીયામાં ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ રાજપુરોહિત સુરત ઉપરાંત રાજસ્થાનમાં પણ મતદાર યાદીમાં નામ ધરાવતા હોવાનું જણાવીને ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિતે ચૂંટણી અધિકારી વાંધો ઉઠાવી ઉમેદવારી રદ કરવા માટેની માંગ કરી હતી. જોકે,મહેન્દ્રસિંહે રાજસ્થાનની મતદાર યાદીમાંથી નામ કમી કરાવ્યું હોવાના પુરાવા આપતા ચૂંટણી અધિકારીએ વાંધો નામંજૂર કરી દીધો હતો.
શૌચાલયે ઉમેદવારી રદ કરાવી, શૌચાલયનું સર્ટીં ન હોવાથી અપક્ષ ઉમેદવારની ઉમેદવારી રદ
વોર્ડ નં.19 આંજણા-ડુંભાલમાં અપક્ષ ઉમેદવારીપત્ર ભરનાર રાકેશ મોદીએ મનપાનું શૌચાલય હોવાનું સર્ટિફિકેટ રજૂ નહીં કરતા ભાજપના ઉમેદવારો તરફે વાંધો રજૂ કર્યો હતો. રિટર્નિંગ ઓફિસરે રાકેશે સર્ટી રજૂ કરવા માટે સોગંદનામું આપવાનું જણાવ્યું હતું. પરંતુ તેમણે સાદા કાગળ પર બાંહેધરી લખી આપતા ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યું હતું.
પત્નીની માહિતી છુપાવ્યાની ફરિયાદ
વોર્ડ નં.21 સોનીફળિયા-નાનપુરા-અઠવા- પીપલોદ માટે ભાજપમાંથી ઉમેદવારી કરનાર અશોક રાંદેરી સામે કોંગ્રેસ દ્વારા એફિડેવિટમાં બીજી પત્નીની સંતાનની માહિતી છુપાવી હોવાનું જણાવીને ઉમેદવારી રદ કરવાની માંગણી કરી હતી. ચૂંટણી અધિકારીએ નિયત નમુના પ્રમાણે સોગંદનામું હોવાનું જણાવી વાંધો ફગાવી દીધો હતો.
મેન્ડેટ મોડુ આપનારની ઉમેદવારી રદ
વોર્ડ નં.18 લિંબાયત-પરવત કુંભારીયા માટે આપમાંથી ઉમેદવારી નોંધાવનાર હિંમતભાઇ શાહે તા.6 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્ર ભર્યુ હતું.જોકે,નિયત સમયમાં પક્ષનું મેન્ડેટ રજૂ નહીં કરતા તેમની ઉમેદવારી રદ કરી દેવાઈ હતી.
વાડીફળિયા આપમાં ડમીને લાભ
વોર્ડ નં.13 વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા માટે આપના ઉમેદવાર સુશાંત કાપડીયા સત્તાવાર ઉમેદવારીપત્રમાં ટેકેદારની સહી નહીં હોવાથી તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. તેની જગ્યાએ તેના ડમી કૃણાલ શાહનું ઉમેદવારીપત્ર ગ્રાહ્ય રાખ્યું હતું.
આજે ભાજપના 30 વોર્ડ કાર્યાલયોનું ઉદ્ઘાટન, કોંગ્રેસનું ડોર ટુ ડોર પ્રચાર
સુરતના તમામ 30 વોર્ડના મુખ્ય ચૂંટણી કાર્યાલયનું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાશે.9 મી ફેબ્રુઆરી મંગળવારના રોજ રાત્રે 8:00 કલાકે સુરતના તમામ 30 વોર્ડના મુખ્ય કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીની પ્રચાર પ્રસારની કામગીરી વેગવાન બનાવવા અને લોકસંપર્ક માટે સુરતના તમામ 30 વોર્ડમાં આજે ચૂંટણી કાર્યાલયની શરૂઆત થશે. હાલમાં કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર જન સંપર્ક કરી પ્રચાર શરૂ કર્યો છે. મતદારોને રીઝવવા માટે મોડીરાત સુધી ગ્રુપ મિટિંગનો દોર પણ ચાલુ કર્યો છે.


