સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને પાસ વચ્ચે વધતા ગજગ્રાહથી રાજકીય ગરમાવો આવી ગયો છે. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ ફોર્મ ન ભરીને કોંગ્રેસ સામે તેમનું વચન ન પૂરું કર્યાના આક્ષેપ કરાયા હતા. બાદમાં પાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે બે દિવસમાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો પણ ફોર્મ પાછાં ખેંચી લે. જો ફોર્મ પાછાં નહિ ખેંચે તો તેમનો વિરોધ કરવામાં આવશે. જોકે કોઈપણ પાટીદાર કોંગ્રેસી ઉમેદવારોએ ફોર્મ પરત લીધા નથી. ત્યારો કોંગ્રેસના ઉમેદવાર અને એક સમયે પાસના ટેકાથી જીતેલા નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે મને કોઈએ ફોર્મ પરત લેવા કહ્યું નથી. અમે અમારાં કરેલાં કામના આધારે લોકો પાસેથી મત માગીશું. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારના વલણને જોતાં પાસના આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે સત્તાનો સ્વાદ સમાજને ભુલાવી દેતો હોય છે. અમે આગામી સમયમાં યોગ્ય નિર્ણય કરીશું.
કોંગ્રેસના પાટીદાર આગેવાનો ચૂંટણી લડવા મક્કમ
પાસ દ્વારા ગત પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સાથ આપવામાં આવ્યો હતો, જેથી કોંગ્રેસના મોટા ભાગના પાટીદાર ઉમેદવારો જીતીને પાંચ વર્ષ સુધી પાલિકામાં બેઠા હતા. જોકે આ વખતે પાસે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોય એવા વળાંકો આવ્યા છે. છેલ્લી ઘડીએ ફોર્મ ન ભરીને કોંગ્રેસથી અલગ થયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સુરતના કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે તમામ ઉમેદવારો ચૂંટણી લડવા માટે મક્કમ છે. નિલેશ કુંભાણી નામના ઉમેદવારે કહ્યું હતું કે અમે પાંચ વર્ષ સુધી લોકોનાં કામ કર્યાં છે, જેથી સમાજ અમારી સાથે છે.
પાસની બેઠક બાદ નિર્ણય લેવાશે
પાસના ગુજરાતના કન્વીનર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે સત્તાનો સ્વાદ સમાજ ભુલાવી દેતો હોય છે. જેના ખંભે પગ મૂકીને ઉપર ગયા હોઈએ તેને ન ભૂલવા જોઈએ, પરંતુ અત્યારે સત્તાની સીડી હોય છે જ એવી. અમે પાસની મીટિંગ કરીશું; ત્યાર બાદ યોગ્ય નિર્ણય લઈશું.


