– 4 દિવસમાં 48 કલાક કામ કરી લે તો 3 દિવસ રજા મળી શકે
નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી : નવા શ્રમ કાયદા અંતર્ગત કર્મચારીઓ માટેના કામના કલાકોને ખૂબ જ લચીલા બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.તે અંતર્ગત કર્મચારી પાસેથી એક સપ્તાહ દરમિયાન મહત્તમ 48 કલાક કામ કરાવવામાં આવે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.નિયમોને લચીલા બનાવવા માટે એવું થઈ શકે છે કે,જો કોઈ કર્મચારી સપ્તાહમાં 4 દિવસમાં જ 48 કલાક કામ કરી લે,એટલે કે દરરોજ 12 કલાક કામ કરે તો તેને બાકીના 3 દિવસ રજા આપી શકાય.
જો કે આ માટે દરરોજ કામના કલાકોની સીમા હાલ 8 કલાક છે તેને વધારીને 12 કલાકની કરવાની રહેશે.પ્રાપ્ત અહેવાલો પ્રમાણે કેન્દ્રીય શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ સોમવારે જણાવ્યું હતું કે,કર્મચારીઓ માટે સપ્તાહ દરમિયાન મહત્તમ 48 કલાક સુધી જ કામ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવશે.
ડેઈલી વર્કિંગ અવરમાં ફેરબદલની છૂટ
કંપનીઓને એવી છૂટ અપાઈ શકે છે કે તે આ પ્રમાણે કર્મચારીઓની મંજૂરીથી પોતાના દૈનિક કામના કલાકોમાં ફેરબદલ કરી શકે.મતલબ કે જો કોઈ કર્મચારી ઈચ્છે તો એક જ દિવસમાં 10થી 12 કલાક કામ કરે અને સપ્તાહના 6 દિવસ કામ કરવાને બદલે 4થી 5 દિવસમાં જ પોતાનો ટાર્ગેટ પૂરો કરી લે.તેમાં વચ્ચે ઈન્ટરવલનો પણ સમાવેશ થાય છે.
હાલ શું છે નિયમો
વર્તમાન જોગવાઈ પ્રમાણે 8 કલાકના વર્કિંગ અવરમાં કાર્ય સપ્તાહ 6 દિવસનું હોય છે અને એક દિવસનો અવકાશ મળે છે.પ્રસ્તાવ પ્રમાણે કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા અડધા કલાકના ઈન્ટરવલ વગર સતત 5 કલાકથી વધારે કામ નહીં કરે.કર્મચારીને સપ્તાહના બાકીના દિવસે પેડ લીવ એટલે કે સાપ્તાહિક અવકાશ આપવામાં આવશે.ચંદ્રાએ જણાવ્યું કે,શ્રમ અને રોજગાર મંત્રાલય ટૂંક સમયમાં જ 4 લેબર કોડના નિયમોને અંતિમ સ્વરૂપ આપશે.

