નવી દિલ્હી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા પણ ઓનલાઈન ફ્રોડની જાળમાંથી બચી શકી નથી.હર્ષિતાએ ઈ-પ્લેટફોર્મ ઉપર સોફો વેચવા કાઢ્યો હતો અને તેની આ માહિતી કોઈ ગઠીયાના ધ્યાને આવી જતા તેની સાથે છેતરપિંડી થઈ છે. પોલીસે જણાવ્યા મુજબ આ અંગે રવિવાર માહિતી મળ્યા બાદ આપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ઉત્તર જિલ્લાના સિવિલ લાઈન્સ સ્ટેશનમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
પોલીસના મતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરીએ એક સોફો વેચવાની જાહેરાત ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આપી હતી.એક વ્યક્તિએ સોફો ખરીદવામાં રસ દર્શાવ્યો હતો અને સંપર્ક કર્યો હતો.એકાઉન્ટની વિગતો યોગ્ય હોવાથી હર્ષિતાના એકાઉન્ટમાં ટોકન રકમ જમા કરાવી હતી.ત્યારબાદ ગઠીયાએ હર્ષિતાને એક ક્યુઆર કોડ મોકલ્યો હતો અને સ્કેન કરવા જણાવ્યું હતું જેનાથી રકમ તેના એકાઉન્ટમાં જમા થઈ જાય. આવું કરવાથી હર્ષિતાના એકાઉન્ટમાંથી 20 હજાર ઉડી ગયા હતા.
જો કે હર્ષિતાએ આ અંગે તે શખ્સને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે ભૂલથી આવું થઈ ગયું છે અને ફરીથી ક્યુઆર કોડ સ્કેન કરવાથી નાણાં પરત મળશે.જો કે હર્ષિતાએ ફરીથી તેમ કરતા તેના એકાઉન્ટમાંથી વધુ 14,000 સેરવી લેવાયા હતા.પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ પ્રાપ્ત વિગત મુજબ એક એફઆઈઆર દાખલ કરાઈ છે.તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીને પકડવા શોધખોળ ચાલુ છે.

