રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ હવે પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે.તો કેટલીક જગ્યા પર કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારોનો જ વિરોધ સામે આવી રહ્યો છે.ત્યારે જે કાર્યકર્તા અને આગેવાનોને ટિકિટ નથી મળી તેમની ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે માફી માગી હતી.
સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી જોરશોરથી ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે.ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા ત્યારબાદ ત્યાના લોકલ સંગઠન સાથે ચર્ચા કરીને દરેક સીટ માટે ત્રણની પેનલ બનાવી. ત્યારબાદ પેનલની ચર્ચા કરીને તેઓ પાર્લામેન્ટ્રી બોર્ડની સામે આ પેનલ લઇને આવ્યા.પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ચર્ચા વિચારણા કરીને ઉમેદવારોની યાદી તૈયાર કરવાનું કામ પારદર્શક રીતે કરવામાં આવ્યું. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો આમ કુલ 8474 બેઠકોની ચયન પ્રક્રિયા કરવામાં આવી છે.તેની પહેલા મહાનગરપાલિકામાં 144 વોર્ડની 576 બેઠકોની યાદી જાહેર કરી હતી.દરેક સીટ પર એવરેજ 20 લોકોથી વધુ કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે. 2 લાખ કાર્યકર્તા અને આગેવાનોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.મને કહેતા આણંદ અને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તબદ્ધ રીતે આ નિર્ણયને આવકાર્યો છે.
સી.આર. પાટીલે વધુમાં કહ્યું કે, જેમની પણ ટિકિટ કપાઈ અથવા તો જેમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ ન આપી શકી તેવા તમામ કાર્યકર્તાઓની માફી માગીને અને જે કાર્યકર્તા સક્ષમ હોવા છતાં પણ ટિકિટની મર્યાદાના કારણે અમે તેમને સમાવી શક્યા નથી એટલા માટે તેમની માફી પણ માંગુ છું અને તેમની પાસેથી અપેક્ષા પણ રાખું છું કે,તેઓ ભારતીય જનતાના પાર્ટીના ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે તનતોડ મહેનત કરશે અને ઉમેદવારોને જીતાડશે.
સુરતમાં ચૂંટણી કાર્યલયના ઉદ્દઘાટન સમયે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે,જે લોકોનું સિલેકશન થયું છે એમને એવું માનવાની જરૂર નથી કે, તેઓ સર્વોત્તમ હતા એટલે તેમનું સિલેકશન થયું છે.તમારા કરતા પણ સારા ઉમેદવાર હતા.તમારા કરતા વધુ ભણેલા અને તમારા કરતા શિસ્તને વધારે વરેલા અનેક કાર્યકર્તા હોવા છતાં પાર્ટીએ તમને તક આપી છે ત્યારે તમે કોઈ પણ જાતના અભિમાન વગર તમને મળેલી આ તક વધારે ન્યાય આપવાનો પ્રયાસ કરજો.


