મુંબઈ તા.11 : મોંઘા ઈન્જેકશનની વાતો તો આપણે સાંભળી છે પણ કયારેય એવુ સાંભળ્યું છે. એક ઈન્જેકશનની કિંમત રૂા.22 કરોડ હોય? જીહા, મુંબઈમાં એક માસુમની જીંદગી બચાવવા 22 કરોડ રૂપિયાનું ઈન્જેકશન અપાશે.મુંબઈની એસઆરસીસી હોસ્પીટલમાં જીનેટીક બિમારી સ્પાઈનલ મસ્કયુલર અદ્રોફી (એસએમએ) ટાઈપ-1 નો સામનો કરી રહેલી પાંચ મહિનાની તીરા કામતને બચાવવા માટે તેને 22 કરોડ રૂપિયાનું ઈન્જેકશન લગાવવામાં આવશે.
આ ઈન્જેકશન માટે અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયાનો ફાળો એકત્ર થયો છે.જયારે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી ફડનવીસના અનુરોધથી પીએમઓએ આ ઈન્જેકશન પરનો રૂા.6 કરોડનો ટેકસ માફ કર્યો છે.જે બદલ ફડનવીસે વડાપ્રધાન મોદીનો આભાર પણ માન્યો છે.તીરાની બિમારીનો ઈલાજ અમેરિકાથી આવનાર ઝોલ્ગેન્સ્મા ઈન્જેકશનથી જ શકય છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે અને તેના પર 6 કરોડ રૂપિયાનો ટેકસ અલગથી ચુકવવો પડે છે.
તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઈની એસઆરસીસી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી તેના એક ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું ત્યારબાદ તેને વેન્ટીલેટર પર રખાઈ હતી. ઈન્જેકશન ન લાગવાથી બાળકી વધીને 13 મહિના જીવીત રહી શકે છે. ઈન્જેકશનની કિંમતને લઈને તીરાનો પરિવાર પરેશાન હતો.પિતા મિહીરે આ મામલે સોશ્યલ મિડિયામાં ઘા નાખી અને ક્રાઉડ ફંડીગ શરૂ કર્યું અને તેને એટલો રિસ્પોન્સ મળ્યો કે અત્યાર સુધીમાં 16 કરોડ જમા થઈ ગયા છે.આ બિમારી પર બાળકીને થતી પીડા મામલે પિતા મિહિરે જણાવ્યું હતું કે માનું દુધ પીતી વખતે તિરાનો શ્વાસ રૂંધાતો હતો. શરીરમાં પાણી ઘટી જતુ હતું.એકવાર તો કેટલીક સેકન્ડ માટે શ્વાસ થંભી ગયો હતો. પોલિયો વેકસીન આપવા દરમ્યાન પણ તેનો શ્વાસ રોકાઈ જતો હતો.

