નવી દિલ્હી તા.12 : સરહદી વિવાદમાં ચીન અને ભારત વચ્ચ સૈનિકોને પાછળ હટાવવા અંગે થયેલી સમજુતીમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીએ આજે એક પત્રકાર પરિષદમાં આકરો આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારે ભારત માતાનો એક ટુકડો ચીનને ભેટમાં આપી દીધો છે.ગઈકાલે લોકસભામાં સંરક્ષણમંત્રી રાજનાથસિંઘે બંને દેશ વચ્ચેની સમજુતીની માહીતી આપી હતી તેમાં ભારત તેના સૈન્યને ફિંગર-3 તરીકે ઓળખાતા સરહદી પોષ્ટ સુધી પરત લઈ લેશે તેવું જાહેર કર્યુ હતું પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે વાસ્તવમાં ફિંગર-4 એ ભારતનું સ્થાન છે અને કમસેકમ આપણા સૈન્યને ત્યાં સુધી રાખવાની જરૂર હતી.નરેન્દ્ર મોદી સરકારે ભારત માતાના એક ટુકડાને ચીનને સોંપી દીધો છે. રાહુલે પોતાની ભાષા પરનો સંયમ ગુમાવતા કહ્યું કે વડાપ્રધાન કાયર વ્યક્તિ છે અને તે ચીન સામે ટટ્ટાર ઉભા રહી શકતા નથી.તેણે આપણા દેશના સૈન્ય પર થુંક ઉડાડયુ છે.દેશના સૈન્યના બલીદાનને દગો કર્યો છે અને કોઈ ભારતીયોએ તે સ્વીકાર્ય કરવું જોઈએ નહી.જો કે ભાજપે વળતો હુમલો કરતા રાહુલ ગાંધીને પ્રશ્ર્ન પૂછયો હતો કે ચીનને કોણે ભારત માતાનો ટુકડો સોંપ્યો છે તે જવાબ જવાહરલાલ નહેરુ પાસે મેળવવો જોઈએ.જેણે 1962માં ચીનને 40 હજાર ચો.મી.થી વધુ જમીન પર કબ્જો કરવાની છૂટ આપી દીધી હતી. ભાજપના પ્રવકતાએ રાહુલ ગાંધી સાવ નીચા સ્તરે ચાલ્યા ગયા હોવાનું જણાવીને વડાપ્રધાન માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવા સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.ભાજપે કહ્યું કે રાહુલે પહેલા તેમના શાસનનો ઈતિહાસ જાણી લેવો જોઈએ અને પછી કોઈપણ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.


