સતત અને સખત વિવાદમાં રહેતા વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જાણે તંત્રને ધમકાવતા હોય એવો એક વીડિયો સામે આવ્યો છે.પોતાની ફાંકા ફોજદારી માટે અને ખોટા બફાટ માટે જાણીતા મધુ શ્રીવાસ્તવે ફરી એકવખત વિવાદીત નિવેદન આપ્યું છે.મીડિયાને ધમકી આપવાની હોય કે તંત્રની ધૂળ કાઢવાની હોય જાણે પોતે જ સર્વોપરી હોય એવું એમનું વલણ રહ્યું છે.
સમયાંતરે તે પોતાની દાદાગીરીનો પરચો દેખાડતા રહ્યા છે.વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરવા નીકળેલા મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે,ક્લેકટર અને પોલીસતંત્રને હું ખિસ્સામાં રાખું છું.જિલ્લા પંચાયતની સયાજીપુરા બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન હતું.એ પ્રસંગે મધુ શ્રીવાસ્તવ પણ હાજર હતા.કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધન કરવા જ્યારે એમને માઈક આપવામાં આવ્યું ત્યારે એનો વાણી વિલાસ સાંભળવા મળ્યો.કાર્યકર્તાઓ વચ્ચે શ્રીવાસ્તવ એવું બોલી ગયા કે, ક્લેક્ટર અને પોલીસતંત્રને હું ગજવામાં રાખું છું.
અવારનવાર શિસ્ત અને સંયમની વાત કરતી ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ જાણે છકી ગયા હોય એવો વર્તાવ જોવા મળ્યો છે.ભાજપ પક્ષના જ સભ્યો શિસ્ત અને સંયમની ચીરહરણ કરી રહ્યા છે.ગુડ ગવર્નન્સની વાત કરી મત મેળવવા માટે મરણીયા પ્રયાસ કરતા આવા ધારાસભ્યોના ખિસ્સામાં જાણે તંત્ર રહેતું હોય તો જનતા પાસે શું વિકલ્પ રહે? આ પ્રશ્ન લોકમુખે ચર્ચાય છે.વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી વખતે ચૂંટણી અધિકારીની કચેરીમાં મધુના સમર્થકોએ તોડફોડ કરી હતી.
જે ઘટનાને ધ્યાને લઈને પોલીસ કે જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવવા હિંમત કરી નથી.જ્યારે પત્રકારને ઠોકાવી દેવાની ધમકી આપનાર ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધવા પત્રકારોએ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે.એ મુદ્દે કોઈ પગલાં ભરાયા નથી.મધુ શ્રીવાસ્તવની સામે તંત્રની મજબુરી છે કે,બીજુ કોઈ પાસું જવાબદાર છે એ ચર્ચા થઈ રહી છે.આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે,મારો કોલર પકડવાની કોઈની તાકાત નથી.તાજેતરમાં જ્યારે ટિકિટ વિતરણની વાત આવી ત્યારે મધુના પુત્રનું પત્તુ કપાયું હતું.જેથી તેઓ પાર્ટીની નારાજ થયા છે.ભાજપની નવી ગાઈડલાઈન્સને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દીપક શ્રીવાસ્તવને ટિકિટ આપવામાં આવી ન હતી.


