– અડાજણમાં સભા બાદ ભોજન હતું પરંતુ લોકો ચાલુ ભાષણે જ ઉભા થઈને જમવા નીકળ્યા
સુરત : પાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તે અગાઉ ભાજપ દ્વારા અડાજણમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સભાનું વર્ચ્ચુઅલ લાઈવ સુરતથી જામનગર,રાજકોટ સહિત રાજ્યની છ પાલિકામાં સંબોધન ચાલતું હતું.પાટીલના ભાષણ દરમિયાન જ લોકો ભોજન માટે ઉભા થઈને નીકળી પડ્યાં હતાં.જેથી પહેલી હરોળમાં બેઠેલા નેતાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતાં.તેમણે લોકોને ભાષણ દરમિયાન બેસી જવા અપીલ કરી હતી.જો કે લોકો સીધા જ ભોજન સ્થળે પહોંચીને પડાપડી કરવા લાગ્યા હતાં.પક્ષ પ્રમુખ પાટીલના ભાષણમાં લોકોને રસ ન હોય તેવો માહોલ સર્જાતા ભાષણ ટૂંકાવવાની ફરજ પડી હતી.

ભાષણ શરૂ થતાં જ લોકોએ ચાલતી પકડી
વર્ચ્યુઅલ સભામાં સી.આર.પાટીલે હજી તો બોલવાની શરૂઆત જ કરી અને તમામ લોકો સભા છોડીને જવાનું શરૂ કરી દીધું હતું.જેથી નેતાઓમાં સોંપો પડી ગયો હતો આગળની હરોળમાં બેઠેલા ભાજપના કાર્યકર્તાઓ પાછળ તરફ દોડી જઇને તમામને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સી.આર.પાટીલની સભા પૂર્ણ થયા બાદ જમણવાર શરૂ કરવામાં આવશે તેમ કહેવા છતાં પણ કોઈપણ વ્યક્તિએ સી.આર. પાટીલના ભાષણને સાંભળવામાં રસ દાખવ્યો ન હતો.
પાટીલ પણ મુંઝવણમાં મૂકાયા
અડાજણમાંથી ભાજપે વર્ચ્યુઅલ સભાનું આયોજન કર્યું હતું.જોકે લોકો સભા છોડીને જવાનું શરૂ કરી દેતાં થોડા સમય માટે સ્ટેજ પરથી ભાષણ આપતા સી.આર.પાટીલ મુંઝવણમાં મૂકાઇ ગયા હતા.છેલ્લા ઘણા સમયથી નેતાઓના ભાષણ સાંભળીને જાણે લોકો કંટાળી ગયા હોય તેમ રીતસર સભા છોડીને જમણવાર પર લોકો રીતસરના તૂટી પડ્યા હતાં.જેથી ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ભાષણ ટૂંકાવી દીધું હતું.


