– જમીન પચાવી પાડવા મૃત્યુ પામેલી વ્યક્તિના નામે બોગસ વ્યક્તિ ઉભી કરી જમીન ઉપર કબજો જમાવ્યાના આક્ષેપ
વડોદરા : વડોદરા નજીક ચિખોદ્રા ગામની સીમમાં આવેલી રૂ. 4 કરોડની કિંમતની 90 હજાર ચોરસ ફૂટ જમીન પચાવી પાડનાર વોર્ડ નં-16ના ભાજપના ઉમેદવાર નરેશ રબારી સહિત 6 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરવા વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.જમીન પચાવી પાડવા માટે મૃત્યુ પામેલી વ્યક્તિના નામે બોગસ વ્યક્તિ ઉભી કરીને દસ્તાવેજ કરી લઇ જમીન ઉપર કબજો જમાવી દીધો હોવાની વિગતો પણ રજૂઆત કરવામાં આવી છે.
ભાજપના ઉમેદવારે સાગરીતો સાથે મળીને વેચાણ દસ્તાવેજ કર્યાંની રજૂઆત
વડોદરા તાલુકાના ચિખોદ્રા ગામની સીમમાં સર્વે નંબર-246 વાળી જમીન આવેલી છે.આ જમીનમાં વોર્ડ નં-16ના ભાજપના ઉમેદવાર નરેશ રબારીએ તેના સાગરીતો સાથે મળીને બોગસ પુરાવા ઉભા કરી વેચાણ દસ્તાવેજ કરી લીધો હોવાની રજૂઆત જમીનના મૂળ માલિક પ્રભુદાસભાઇના ચિખોદ્રા,દામાપુરા,બોડેલી અને પ્રતાપનગર ગામમાં રહેતા વારસદારોએ વડોદરાજિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.વડોદરા જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે,નરેશ રબારીએ મૃત્યુ પામેલી વ્યક્તના નામે બોગસ વ્યક્તિ ઉભી કરીને દસ્તાવેજ કરાવ્યો છે અને આ જમીન ઉપર કબજો કરી લીધો છે.જેથી નરેશ રબારી અને તેઓના સાગરીતો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
ખોટુ સોગંદનામુ રજૂ કર્યું હોવાની લેખિત રજૂઆત
આ ઉપરાંત કોંગ્રેસના અગ્રણી વિશાલ શ્રીવાસ્તવે ભાજપના વોર્ડ નં-16ના ઉમેદવાર નરેશ રબારીએ ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામાં ભૂતકાળમાં થયેલા કેસોની માહિતી છુપાવી ખોટુ સોગંદનામુ રજૂ કર્યું હોવાની લેખિત રજૂઆત જિલ્લા વડોદરા કલેક્ટરને કરવામાં આવી છે. વિશાલ શ્રીવાસ્તવે કલેક્ટરને કરેલી રજૂઆતમાં નરેશ રબારીએ તેના 6 સાગરીતો સાથે મળી ચિખોદ્રા ગામની જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કર્યો છે.નોંધનીય છે કે, ચિખોદ્રા ગામની સીમમાં આવેલી 90 હજાર ચોરસ ફૂટ જમીનની કિંમત 4 કરોડ રૂપિયા થાય છે.
ચૂંટણી ટાણે કલેક્ટરને રજૂઆતથી વિવાદ
વારસદારો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે વર્ષ-2004માં પ્રભુદાસભાઇનું અવસાન થયું હતું,પરંતુ,કાયદાની અજ્ઞાનતાના કારણે વારસમાં નામ ચઢાવવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી ન હતી.દરૂભાઇ રણછોડભાઇ પટેલ કે, જેઓનું 1969માં મૃત્યું થયું હોવા છતાં,તેઓને જીવીત બતાવી બોગસ આધાર કાર્ડ બનાવી દેવામાં આવ્યું હતું અને તેમને જમીન માલિક બનાવી દીધા હતા.તેઓ જમીનના માલિક છે તેમ બતાવી વાઘોડિયા રોડના રહેવાસી અલ્પેશ પટેલના નામે બોગસ દસ્તાવેજ 28-8-2017ના રોજ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અને જમીન પચાવી પાડવાના કૌંભાડમાં મૃતક દરૂભાઇ પટેલનું નામ ધારણ કરનાર અલ્પેશ પટેલ, કેતન પટેલ(રહે, સત્તાધાર સોસાયટી), પ્રિતેશ સોની (રહે. પથ્થરગેટ), હરેશ રબારી (રહે. વાડી ગાજરાવાડી) અને કોર્પોરેશનની ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા વોર્ડ નં-16ના ઉમેદવાર નરેશ રબારીની મુખ્ય ભૂમિકા હોવાની વારસદારો દ્વારા ચૂંટણી ટાણે રજૂઆત કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.
જમીન પાછી અપાવવા વડોદરા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી
આ જમીન અંગે અગાઉ વરણામા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી અને તેના આધારે પોલીસે અલ્પેશ પટેલની અટકાયત પણ થઇ હતી.બાદમાં જામીન ઉપર છૂટ્યા બાદ અલ્પેશ પટેલે જમીન પોતાના નામે કરાવી નરેશ રબારી અને હરેશ રબારીની મદદ લઇને ગેરકાયદેસર જમીનનો કબજો મેળવી લીધો છે.જમીનના વારસદારોએ જમીન પચાવી પાડનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી જમીન અપાવવા વડોદરા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.


