દમણ : મુખ્યમંત્રી રૂપાણીએ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં લવ જેહાદને કાયદો અમલમાં લાવવાની વાત કરી છે ત્યારે ફરી એક વખત લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે.નાની દમણના ખારીવાડ વિસ્તારમાંથી 14 વર્ષની સગીરાને વિધર્મી યુવક પ્રેમ અને લગ્નની લાલચ આપીને ભગાડી જવા પૂર્વે જ પોલીસના હાથે ઝડપાયો હતો.દમણ પોલીસે યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દમણમાં લવ-જેહાદનો મામલો સામે આવતાં જ વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.સગીરાને ભગાવી જવાની ઘટના બન્યા બાદ હિન્દુ સંગઠનો નાની દમણ પોલીસ સ્ટેશનમાં અડ્ડો જમાવીને બેસી ગયા હતા.ડીએમસીનાં પ્રેસિડેન્ટ સોનલબેન પટેલ,દમણ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ (વિકાસ) પટેલ,ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલબેન કાટેલાએ હાજર રહીને સમગ્ર મામલાનો તાગ મેળવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે નાની દમણના ખારીવાડ સ્થિત હોટલ રાજપેલેસ નજીક આવેલી તારા ટેરેસ એપાર્ટમેન્ટમાં રહેતો 19 વર્ષીય રોની ઉર્ફે રાજીવ ગફાર ખાન કેટલાક સમયથી હિન્દુનું નામ ધારણ કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવવાનું કામ કરતો હતો.શનિવારે બપોરે આરોપી યુવક રોની ઉર્ફે રાજીવ ગફુર ખાને નાની દમણના વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.પ્રેમમાં અંધ બનેલી સગીરા શનિવારે બપોરે પોતાના ઘરેથી બહારથી દરવાજો બંધ કરીને કંપાઉન્ડ વોલ કૂદીને આરોપી સાથે ભાગી ગઇ હતી.જોકે વોચમેનની નજર પડતાં માતા-પિતાને તાત્કાલિક જાણ થતાં શોધખોળ કરી હતી.સગીરાનાં માતા-પિતાએ પોતાની પુત્રી ગુમ થવા બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સગીરાની શોધખોળ કરતાં યુવક અને સગીરા દુનેઠાથી ઝડપાયાં હતાં.
બંનેને પોલીસ સ્ટેશન લાવીને નિવેદન લઇ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.દમણ પોલીસે આરોપી રોની ઉર્ફે રાજીવ ગફાર ખાન સામે આઇપીસી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વિધર્મી યુવક સગીરાને ભગાડી ગયો હોવાની જાણ થતાં જ વિવિધ હિન્દુ સંગઠનો શનિવારે મોડી રાત્રિ સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યાં હતાં.આખરે સગીરાનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેનો કબજો માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો,જ્યારે આરોપી યુવકની ધરપકડ કરી હતી.આરોપી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા માટે ફેસબુક પર રોની ઇબ્રાહિમના નામથી અકાઉન્ટ બનાવ્યું હતું.ખારીવાડ વિસ્તારમાં કુખ્યાત એવા આરોપી રોની ઉર્ફે રાહુલની લોકડાઉન દરમિયાન પણ પોલીસે કોઇક કારણોસર ધરપકડ કરી હતી.


