સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના નિધન બાદ પ્રદેશમાં શોકનો માહોલ છે.આગલી રાત્રે તેમના મૃતદેહને સેલવાસ લાવવામાં આવ્યો હતો અને ગઈ કાલ સવારથી સેલવાસના આદિવાસી ભવન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લાવવામાં હતો ત્યારે મોહન ડેલકરના અંતિમ દર્શન માટે ભાજપ સહિત પ્રદેશની તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને સંઘ પ્રદેશ દમણ અને દીવના સાંસદ લાલુ પટેલ,અને દાદરાનગર હવેલીના ભાજપના આગેવાનો પૂર્વ સાંસદ નટુભાઇ પટેલે પણ પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તેમના પરિવારજનોને સાંત્વના પણ આપી હતી.
મહત્વપૂર્ણ છે કે સતત 7 ટર્મ સુધી મોહન ડેલકર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટું નામ હતું અને અત્યાર સુધી મોહન ડેલકર અપક્ષ,નવ પાર્ટી,કોંગ્રેસ અને ભાજપમાંથી પણ ચૂંટણી લડી અને જીત્યા હતા અને સાત ટર્મ સુધી દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્વ લોકસભામાં કર્યું હતું.ગઈકાલે અંતિમ દર્શન વખતે રાજકીય અગ્રણીઓએ પણ મોહન ડેલકરને પ્રદેશના કદાવર નેતા ગણાવ્યા હતા અને તેમના નિધનથી પ્રદેશના રાજકારણમાં એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો હોવાનું પણ ભાજપ અગ્રણીઓએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ભાજપના પ્રદેશ અગ્રણી ફતેસિંહ ચૌહાણ એ મોહન ડેલકર ના રાજકીય સફર વિશે પણ વાત કરી હતી અને મોહન ડેલકર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટું નામ હોવાનું માન્યું હતું.દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલે મોહન ડેલકરના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું.અને પોતાના એક સારા મિત્ર ગુમાવ્યો હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.મીડિયા સામે પ્રતિક્રિયા આપતા લાલુભાઇ પટેલે મોહન ડેલકરના નિધનથી પ્રદેશના આદિવાસી સમાજે છત ગુમાવી દીધી હોવાનું જણાવ્યું હતું.સાથે જ તેમના મોતને લઈને અનેક રહસ્યો ઘેરાયા છે ત્યારે લાલુભાઇ પટેલે પણ મોહન ડેલકરના શંકાસ્પદ મોતને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છે સરકાર છે એટલે તપાસ કરશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.