– નાની નરોલના ઉમેદવાર દર્શન નાયકે પોલીસ બંદોબસ્ત માંગ્યો
સુરત : સુરત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રવિવારે મતદાન થનારૂ છે.મતદાનના ગણતરીના દિવસો અગાઉ ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બન્યા છે.ઠેર ઠેર પ્રવાસ કરી રહેલા નેતાઓનો પીછો થતો હોવાથી નાની નરોલી બેઠકના ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું છે.
નાની નરોલી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકે પોતાના તથા કાર્યકરો પર હુમલો થવાની દહેશત વ્યક્ત કરીને પોલીસ બંદોબસ્તની માંગણી કરી છે.જિલ્લા કલેકટર અને પોલીસ વડાને આપેલા આવેદનમાં નાની નરોલી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર દર્શન નાયકે જણાવ્યું છેકે, તેમનો મતદાન વિસ્તારમાં અંતરિયાળ ગામો આવેલા છે.મોડે સુધી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાથી મોડી રાતે પરત આવે છે.જેમાં પીછો થતો હોય હુમલાની દહેશત વ્યક્ત કરાઈ છે
બાઈક પર પીછો થતો હોવાનું કહ્યું
દર્શન નાયકે રજૂઆતમાં કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી તેમના ચૂંટણી પ્રચાર રૂટમાં બાઇક પર સવારે શખ્સો પીછો કરી રહ્યા છે.કાર્યકરોને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે તેમના અને કાર્યકરો પર હુમલો થવાની દહેશત છે.તેમની સામે ઉભેલા ઉમેદવાર પર કોસંબા પોલીસમાં છ જેટલા ગુના દાખલ થયા છે અને કોર્ટે સજા પણ ફરમાવી હતી.ત્યારે ગમે તે ઘડીએ તેમની પર હુમલો થવાની શક્યતા હોય પોલીસ બંદોબસ્ત આપવા માટેની માંગણી કરી છે.


