– જિલ્લા-તાલુકા અને પાલિકાઓની ચૂંટણી ભાજપ-કૉંગ્રેસ માટે કપરી સાબિત થઈ શકે છે
– હવે મોડાસામાં પણ ઓવૈસી સભા ગજવશે
અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરમાં કોંગ્રેસનો ગઢ ગણાતા જમાલપુર ને મક્તમપુરા જેવા વિસ્તારોમાં આ વખતની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવારોએ સપાટો બોલાવ્યો છે.બીજી બાજુ,શહેરમાં લઘુમતી મતદારોએ કોંગ્રેસને જાકારો આપીને AIMIMને 7 સીટ અપાવી છે.અમદાવાદમાં ઓવૈસીએ માત્ર એક સભા કરીને કોર્પોરેશનમાં એન્ટ્રી થતાં જ કોંગ્રેસમાં ફાળ પડી છે.અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં AIMIMના જીતેલા ઉમેદવારોને મળવા માટે ખાનપુર ખાતેની એક લક્ઝુરિયસ હોટલમાં આવ્યા હતા.તેઓ તમામ ઉમેદવારને મળ્યા હતા.ઓવૈસી ગઈકાલે અમદાવાદ આવીને જીતેલા ઉમેદવારોને મળ્યા હતા.
AIMIMમાંથી કોણ કોણ જીત્યું
જમાલપુર વોર્ડમાંથી AIMIMના બીના પરમાર,અફસાનાબાનુ,મુસ્તાક ખાદીવાલા અને મોહમ્મદ રફીક શેખે કોંગ્રેસના ઉમેદવારોને પરાસ્ત કરી કોર્પોરેશનમાં એન્ટ્રી કરી છે.જ્યારે મક્તમપુરા વોર્ડમાંથી AIMIMના સુહાના મન્સુરી,જેનલબીબી શેખ અને મહંમદ પઠાણનો વિજય થયો છે.
ઓવૈસી ઇફેક્ટ અમદાવાદ શહેરમાં દેખાઈ હતી અને લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસનું ગણિત ફેરવી નાખ્યું છે.હવે આગામી 2022ની વિધાનસભામાં કોંગ્રેસના બાપુનગર અને ખાડિયા સહિત જમાલપુર વિસ્તારમાં ગાબડું પડે એવાં સમીકરણો રચાયાં છે.એની સાથે કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ચિંતામાં મુકાયા છે.ઓવૈસી હવે 2022માં પણ વિધાનસભામાં પોતાની પાર્ટીના ઉમેદવાર ઊભા રાખશે; એ માટે પ્રયાસ શરૂ કર્યા છે.બીજી તરફ,ગઈકાલે ખાનપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIMના તમામ જીતેલા ઉમેદવારોને મળીને આગળની રણનીતિ માટે પણ ધ્યાન દોર્યું હતું.
આપ અને ઓવૈસી ઈફેક્ટે કોંગ્રેસની બાજી બગાડી
ઓવૈસીએ અમદાવાદમાં પગપેસારો કરી લીધો છે,ત્યારે હવે જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ AIMIMના ઉમેદાવરોને ઊભા રાખવામાં આવ્યા છે.રાજ્યમાં ઓવૈસીએ ભરૂચ અને અમદાવાદમાં સભાઓ ગજવી હતી.ત્યાર બાદ હવે મોડાસામાં પણ સભાઓ ગજવશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.કોંગ્રેસને મોડાસામાં ઓવૈસીની એન્ટ્રીથી ફાળ પડી ગઈ છે,જેથી હવે આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ AIMIMના ઉમેદવારો કોંગ્રેસની બાજી બગાડી શકે છે.
જમાલપુરમાં ધારાસભ્ય પણ કોંગ્રેસી હોવા છતાં આખી પેનલ ઓવૈસીએ આંચકી લીધી છે,જ્યારે બહેરામપુરામાં પણ ભારે રસાકસી પછી કોંગ્રેસનો વિજય થયો છે.લઘુમતી વિસ્તારની વોટિંગની પેટર્ન જોતાં આવનારી 2022ની વિધાનસભામાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી શકે એવું રાજકીય નિષ્ણાતોનું કહેવું છે.લઘુમતી વોટ બેંક અત્યારસુધીમાં કોંગ્રેસ પાસે હતી,પરંતુ મ્યુનિ.ની ચૂંટણીમાં તેમણે ઓવૈસીનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું જોવા મળ્યું છે.
ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય તો થયો,પરંતુ આમઆદમી પાર્ટી અને ઓવૈસીની AIMIMની એન્ટ્રી થતાં ભાજપમાં ભય ફેલાઈ ગયો છે કે કૉંગ્રેસ કાઢતાં આપ અને ઓવૈસી આવી ગઈ,એટલે હવે ભાજપ માટે એક નહીં, ત્રણ વિપક્ષને ટક્કર આપવી પડશે. ખાસ કરીને મહાનગરપાલિકામાં આપ અને ઓવૈસીને બેઠકો મળતાં હવે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપ અને કૉંગ્રેસ બંને માટે કપરું બની શકે તેમ છે.


