દાદરાનગર : કોંગ્રેસે શુક્રવારે દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે કરેલા આપઘાત કેસમાં જ્યુડિશિયલ ઈન્કવાયરીની માંગ કરી છે.કેન્દ્રને જણાવ્યું છે કે સંઘ પ્રદેશના પ્રશાસક દ્વારા કરાતી હેરાનગતિ સામે વારંવાર અવાજ ઉઠાવવા છતાં શા માટે કોઈ પગલાં ભરાયા નહીં.વિપક્ષે દાવો કર્યો હતો કે સાત વખતના સાંસદ મુંબઈની હોટલના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.તેમણે પ્રશાસક પ્રફુલ ખોડા પટેલ અને અન્ય અધિકારીઓનો ઉલ્લેખ તેમની સ્યુસાઈડ નોટમાં કર્યો છે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે ડેલકરે નજીકના ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓને હેરાનગતિ અંગે પત્રો લખ્યા હતા.પ્રશાસક અને અધિકારીઓના હાથે તેમની હેરાનગતિ કરાતી હોવાનું પણ લખ્યું હતું. 2019માં અપક્ષ તરીકે તેઓ ચૂંટણી જીત્યા ત્યારથી જે રીતે તેમનું અપમાન કરાયું અને હેરાનગતિ કરાઈ ત્યારથી તેઓ વ્યથિત હોવાનું પત્રકાર પરિષદમાં ખેડાએ કહ્યું હતું.
કેન્દ્રમાં બેઠેલી સરકારની આ જ પદ્ધતિ છે. જો તમે ચૂંટણી હારો તો તમારી સામે તપાસ શરૂ કરાય,હેરાનગતિ કરાય.આ માટે એજન્સી ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર, પ્રશાસકનો ઉપયોગ કરવામાં આવે છે.તેઓ વ્યક્તિને ઘૂંટણિયે પાડી દે છે અને તેને અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે છે.જો સરકાર સાથે સંમત થાય તો જ તેમને પક્ષમાં જોડે છે અને જો સંમત ન થાય તો આવું ગંભીર પરિણામ આવે છે.કોંગ્રેસના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે પટેલ ભાજપના ધારાસભ્ય હતા અને ગુજરાતમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.તેઓ ભાજપની ટોચની નેતાગીરી સાથે આડ સંબંધ ધરાવે છે.
કોંગ્રેસે પટેલને તાકીદે તેમના પદ પરથી હટાવીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ અને હત્યાના આરોપ હેઠળ કેસ દાખલ થવો જોઈએ.તાકીદે જ્યુડિશિયલ ઈન્કવાયરી શરૂ કરવાની જરૂર છે જેથી ડેલકરને તેમના મૃત્યુ પછી તો ન્યાય મળી શકે.ડેલકર 7 વખત લોકસભાના સાંસદ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ઓન પર્સોેનેલ,પબ્લિક રિવન્સ,લૉ એન્ડ જસ્ટિસ તથા કન્સ્યુલેટિવ કમિટી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં સભ્ય હતા.


