રતલામ, તા.2 : મધ્યપ્રદેશના રતલામથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જે મુજબ મહિલા જજને બર્થડે વિશ કર્યું કરનાર પરિણીત વકીલે જેલમાં પુરાવું પડ્યું છે.તેમને નીચલી કોર્ટમાંથી જામીન ન મળતા હવે મધ્યપ્રદેશ હાઇકોર્ટેમાં જામીન માટે અરજી કરી છે.ઘટના અંગે મળતી વિગતો મુજબ રતલામના 37 વર્ષના વકીલ વિજયસિંહ યાદવ પર કથિત રીતે જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસના ફેસબુક એકાઉન્ટથી તેમની તસવીર ડાઉનલોડ કરી અભદ્ર ભાષામાં જન્મદીનની શુભેચ્છા મોકલવાનો આરોપ છે.જજે વકીલની વર્તણૂક સામે વાંધો જાહેર કર્યો હતો. વિજયસિંહ યાદવ સામે આઇટી એક્ટ સહિત અન્ય કલમો હોઠળ કેસ નોંધવામાં આવ્યો છે.તેમના પર આરોપ છે કે,તેમણે 28 જાન્યુઆરીની રાત્રે 1.11 કલાકે જજને ઇ-મેઇલ દ્વારા મેસેજ મોકલ્યો હતો.ત્યારબાદ 8 ફેબ્રુઆરીએ રતલામ જિલ્લા કોર્ટના સિસ્ટમ ઓફિસર મહેન્દ્ર સિંહ ચૌહાણે સ્ટેશન રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વિજય સિંહ પર છેતરપિંડી અને બદનામ કરવાની કોશીશ સહિતના આરોપ લગાવાયા છે.ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું કે,ઇમેઇલ ઉપરાંત સ્પીડ પોસ્ટથી પણ ગ્રીટિંગ કાર્ડ મોકલ્યો હતો.
9 ફેબ્રુઆરીએ પોલીસે વિજયસિંહની તેમના ઘરેથી ધરપકડ કરી હતી ત્યારથી તે જેલમાં છે. 13 ફેબ્રુઆરીએ નીચલી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી જેથી તેમના પરિવારે મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દૌર બેન્ચમાં જામીન અરજી કરી છે.વિજયસિંહ પરિણીત છે અને ચાર સંતાનનો પિતા છે.તે વકીલ હોવાથી પોતાનો કેસ ખુદ લડી રહ્યો છે.બચાવમાં વિજયસિંહે કહ્યું કે,તેમણે ગ્રીટિંગ કાર્ડ સમાજસેવી અને જયકુલદેવી સેવા સમિતિના અધ્યક્ષ તરીકે જન્મદિવસના વીશ કરવા મોકલ્યા હતા.હવે તેમની જામીન અરજી અંગે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી છે.

