– પાવી જેતપુર જિલ્લા પંચાયતની સજવા બેઠક પરથી જયંતી રાઠવાના પત્ની રાધાબેન રાઠવાનો વિજય થયો હતો
– પત્નીના વિજય સરઘસ દરમિયાન પૂર્વ ધારાસભ્યનો જાહેરમાં અશ્લિલ ઇશારાઓ કરતો વિડિયો વાઈરલ થયો
– પૂર્વ ધારાસભ્યનો વિડિયો વાઈરલ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો
છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવાના પત્નીની જીતની ખુશીમાં જાહેરમાં અશ્લિલ ઇશારાઓ કરતા જોવા મળ્યા હતા.આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાવી જેતપુર જિલ્લા પંચાયતની સજવા બેઠક પરથી પાવી જેતપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવાના પત્ની રાધાબેન રાઠવાનો વિજય થયો હતો.મંગળવરે જાહેર થયેલા પરિણામ બાદ ભાજપના ઉમેદવાર રાધાબેન રાઠવાની જીતની ખુશીમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.આ સરઘસ દરમિયાન જયંતી રાઠવાએ જાહેરમાં અશ્લિલ ઇશારાઓ કર્યાં હતા.જેનો ત્યાં હાજર લોકોએ વિડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.
નગરપાલિકા,તાલુકા અને પંચાયતના પરિણામના દિવસે પત્નીની જીતની ખુશીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવા ભાન ભૂલી ગયા હતા અને બેફામ બનીને સત્તાના નશામાં અશ્લિલ ઇશારાઓ કરતા જોવા મળ્યા હતા.ભાજપના પૂર્વ ધારાસભ્યનો આ વિડિયો વાઈરલ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી પહેલા સંખેડાના ભાજપના MLA અભેસિંહ ભડક્યા હતા
આ પહેલા છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીનો મતદારો ધમકાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.પ્રચાર દરમિયાન નસવાડીના હરિપુરા ગામમાં આવાસો અંગે સવાલ પૂછનાર નાગરિકને ધારાસભ્ય અભેસિંહ તડવીએ કાઢી મૂક્યો હતો. વાઈરલ વિડિયોમાં ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ મતદારને ધમકાવતા કહ્યું હતું કે, બંધ, શાંતિ રાખ, કોઇના કહ્યા પર ચડી નહીં જવાનું. સમજ પડે છે ને જે બોલુ છે તે,તો પછી.બધુ કામ થશે ભાઈ.બંધ થા, તું જા અહીંથી, ખોટી વાત શું કરે છે ભાઈ,તમારા આવાસોના મકાન માટે બધુ કહ્યું છે.જોજો, હું આવીશ, આ ગામમાં આવીશ, મત મળશે, અનાજ મળ્યું છે, તમે ખાધુ છે, એટલે ઋણ ચૂકવવું પડશે, તમને જે યોગ્ય લાગે તે કરજો, મત નહીં મળે તો મને ફેર પડવાનો નથી.