તાપસી અને અનુરાગને ત્યાં 2013માં પણ દરોડા પડયા હતા, ત્યારે કેમ ઉહાપોહ નહોતો થયો?: નિર્મલા

299

તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ્ના ઘરે તાજેતરમાં પડેલા દરોડા વિશે વિરોધ પક્ષે મચાવેલા હોબાળાના જવાબમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે એ લોકોને ત્યાં 2013માં પણ આઇટીના દરોડા પડયા હતા,પણ ત્યારે કોઇ કશું બોલ્યું નહોતું.

સીતારામને વ્યક્તિગત કેસ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે કરચોરી થતી હોય તો એની તપાસ કરવી રાષ્ટ્રીય હિતની વાત ગણાય. એક પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં એમણે જણાવ્યું હતું કે પહેલી વાત તો એ કે હું કોઇ અ કે બ વ્યક્તિ વિશે વાત નથી કરી રહી, પણ જ્યારે તમે એ નામો લીધા છે, તો તમારે એ વાત પણ જાણવી જોઇએ કે 2013માં પણ આ લોકોને ત્યાં આઇટીનાં દરોડા પડયા હતા.જોકે, એમણે આ વિશે વધુ માહિતી જાહેર કરી નહોતી.હવે બંધ થઇ ગયેલી ફેન્ટમ ફિલ્મ્સ નામની કંપ્નીએ કરેલી કરચોરીનાં મામલે આવકવેરા વિભાગે ત્રીજી માર્ચે નિમર્તિા-નિર્દેશક અનુરાગ કશ્યપ અને એનાં ભાગીદારો તથા ઍક્ટ્રેસ તાપસી પન્નુની સંપત્તિઓ પર દરોડા પાડયા હતા.

ફેન્ટમ ફિલ્મ્સે કરેલી કરચોરીને મામલે આઇટી વિભાગની ટીમોએ મુંબઇ,પુણે,દિલ્હી અને હૈદરાબાદની 30 સંપત્તિ પર દરોડા પાડયા હતા.દરોડા રિલાયન્સ ઍન્ટ. જૂથના સીઇઓ શિભાશિષ સરકાર અને અન્ય બે કંપ્નીઓ ક્વાન તથા ઍક્સિડના અધિકારીઓ તથા બંને સેલિબ્રિટીનાં સંબંધિત અધિકારીઓની સંપત્તિ પર પાડવામાં આવ્યાં હતાં.સીતારામને જણાવ્યું હતું કે 2013માં પણ એમને ત્યાં દરોડા પડયા હતા,પણ ત્યારે કોઇ કશું બોલ્યું નહોતું.ત્યારથી તપાસ ચાલી રહી છે અને રાષ્ટ્રીય હિતમાં કરચોરી વિશે અમે જાણવા માગીએ છીએ.અત્રે નોંધવું રહ્યું કે 2013માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.

Share Now