– ભાવનગર મેયર પદ માટે જેમનું નામ ચર્ચામાં ચાલતું હતું, તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડયા
– તેમણે કહ્યું કે, આ બેઠક સામાન્ય મહિલા માટે હતી પરંતુ બક્ષીપંચને મેયર બનાવી મારી સાથે અન્યાય થયો છે
ભાવનગર : ભાવનગરમાં આજે નવા મેયર અને પાલિકાના પદાધિકારીઓના નામની જાહેરાત થઈ છે. ભાવનગરના નવા મેયર કિર્તીબેન દાણીધારિયાની વરણી કરાઈ છે.તો ભાવનગરના ડે.મેયર પદે કૃણાલ શાહની વરણી કરાઈ છે.પરંતુ ભાવનગરમાં નવા મેયરની જાહેરાત થતા જ ડખ્ખો થયો હતો.મેયરની જાહેરાત પછી ભાવનગરમાં નારાજ થયેલા વર્ષાબા જાડેજાએ ભાજપ કાર્યાલય પર દેકારો મચાવ્યો હતો.એટલું જ નહિ,તેમણે મેયર તરીકે પોતાના નામની પસંદગી ન થતા દિવાલ પર માથા પછાડ્યા હતા.સાથે જ તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કારણે પોતાનુ નામ કપાયાનો આક્ષેપ કર્યો છે.
મેયરના નામ તરીકે વર્ષાબાનું નામ ચર્ચામાં હતું
ભાવનગર મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે.ત્યારે ભાવનગરમાં મેયર પદ માટે કીર્તિબેન દાણીધારીયા,વર્ષાબા પરમાર,યોગીતાબેન ત્રિવેદી અને ભારતીબેન બારૈયાના નામ ચર્ચામાં હતા.ત્યારે આખરે આજે કીર્તિબેન દાણીધારીયાના નામની મેયર તરીકે જાહેરાત કરાઈ છે.ત્યારે ભાવનગર મેયર પદ માટે જેમનું નામ ચર્ચામાં ચાલતું હતું,તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડયા.મીડિયા સામે વર્ષાબા રડી પડ્યા હતા.તેમજ તેમણે આક્ષેપ કર્યો કે,જીતુ વાઘણીના ઈશારે મારું નામ કપાયું છે.જોકે,બાદમાં પક્ષના કાર્યકર્તાઓ દ્વારા તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
વર્ષાબાની રાજીનામુ આપવાની ચીમકી
વર્ષાબાએ જીતુ વાઘાણી પર આરોપ મૂકતા કહ્યું કે,જીતુભાઈએ કડક શબ્દોમાં કહ્યું હતું કે,પેનલ તોડી હશે તેને નાની કમિટીમાં પણ સ્થાન નહિ મળે.જીતુભાઈ વાઘાણીએ જ આ બધુ કર્યું છે. તેઓ હરહંમેશ મારી સાથે અન્યાય કરે છે.તેમણે કહ્યું કે,આ બેઠક સામાન્ય મહિલા માટે હતી પરંતુ બક્ષીપંચને મેયર બનાવી મારી સાથે અન્યાય થયો છે.સાથે જ તેમણે પક્ષમાંથી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારીને કહ્યું કે,હું આગામી દિવસોમા રાજીનામુ આપીશ.ઉલ્લેખનીય છે કે,વર્ષાબા ભાવનગર વોર્ડ નંબર 10 કાળિયાબીડના ઉમદેવાર છે.