આજે શિવરાત્રિના પાવન પ્રસંગે ગુજરાત સહિત દેશભરમાં શિવાલયો ભક્તો થી ઉભરાઈ રહ્યા છે ત્યારે ગુજરાત ના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે.આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારના હજારો ભાવિક ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે મંદિર પરિસરમાં એકત્ર થઈ રહ્યા છે.સોમનાથ મંદિર શિવરાત્રિ પર્વે સવારે 4થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે.ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો રુદ્રી,દ્રાષ્ટક પાઠ,શિવ મહિમ્ન સ્તોત્ર કરશે.ગુજરાતમાં સૌથી વધુ આકર્ષણ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં આજે દિવસ પર્યંત વૈદિક પૂજાઓ,અભિષેકાત્મક લઘુરુદ્ર,રુદ્રી,બીલીપત્ર, સંકલ્પ પૂજાઓ યોજાઈ રહ્યાં છે.ભક્તો બીલીપત્ર,શેરડીનો રસ,પંચામૃત,દૂધ મિશ્રિત જળ,કાળા તલ,આંબળાં લઈને મહાદેવને અર્પણ કરી રહ્યા છે.
શિવરાત્રિ નિમિત્તે ચાર પ્રહરની આરતી થતી હોય છે,જેમાં રાત્રે 9ના પ્રથમ પ્રહરની, રાત્રે 12ના બીજા પ્રહરની,રાત્રે 2ના ત્રીજા પ્રહરની અને પરોઢે 4ના ચોથા પ્રહરની આરતી થશે શિવજીને ભાંગ ખૂબ જ પ્રિય છે.ભાવિકો નિજાનંદમાં લીન થઇને શિવજીની આરાધના કરવા માટે ભાંગનું સેવન કરે છે.અભિષેક વખતે પણ શિવજીને ભાંગ ધરાવવામાં આવે છે.
સોમનાથ મંદિરમાં ભાવિકોએ માસ્ક પહેરેલા ભક્તો ને પ્રવેશ અપાઈ રહ્યો છે.અરબી સમુદ્રકાંઠે બિરાજમાન દેવાઘિદેવ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજા જેટલું પુણ્ય માત્ર શિવરાત્રિના દિવસે શિવ પૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થતું હોવાથી એને ઘ્યાને લઇ તત્કાલ શિવપૂજન,ઘ્વજાપૂજન મર્યાદિત સંખ્યામાં ભાવિકો કરી શકે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.સવારે 9 વાગ્યે પાલખીયાત્રા જે ફક્ત પરિસરમાં જ ફરી હતી.શિવરાત્રિને લઇ સોમનાથ મંદિર અને પ્રવેશદ્રાર ખાસ સુગંધિત જુદાં-જુદાં પુષ્પોથી અને રંગબેરંગી લાઇટિંગથી સુશોભિત કરાયા છે.ભાવિકો કોરોના ગાઈડ ના અમલ સાથે દર્શન કરી રહ્યા છે.


