
મારે તપાસ અધિકારીઓને કેટલીક મહત્ત્વની માહિતી આપવી છે એમ કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીએ પોતે જ સ્પેશિયલ મકોકા કોર્ટમાં જણાવ્યા બાદ કોર્ટે એની કસ્ટડી 15 માર્ચ સુધી વધારી હતી.વિદેશમાં રહીને સિનેસૃષ્ટિના કલાકારો અને મોટા વ્યવસાયિકોને ફોન પર ધમકાવીને સાથીદારોની મદદથી ખંડણી વસૂલ કરવાના અનેક ગુના પૂજારી વિરુદ્ધ નોંધાયા છે.ઉપરાંત હત્યા અને હત્યાના પ્રયત્નોના પણ ગુના નોંધાયેલા છે.
વિલેપાર્લેમાં એક રેસ્ટોરંટ પર કરેલા ગોળીબારના પ્રકરણમાં અત્યારે પૂજારી પોલીસ કસ્ટડીમાં છે.એની કસ્ટડી પૂરી થતી હોવાથી પોલીસે એને સ્પેશિયલ જજ ડી.ઈ.કોથળીકર સમક્ષ હાજર કર્યો હતો.ત્યારે પોલીસને કસ્ટડીમાં પૂછપરછ માટે પૂરતો સમય મળ્યો હોવાથી વધુ સમય કસ્ટડી આપવી નહીં એવી વિનંતી પૂજારીના વકીલે કરી હતી.આરોપીનો તબૂલાતનો જવાબ સક્ષમ પ્રાધિકારીઓ સમક્ષ નોંધવામાં આવ્યો છે અને એ મુજબ એની વધુ પૂછપરછ કરવી જરૂરી છે એમ જણાવતા પોલીસ કસ્ટડીમાં વધારો કરવાની વિનંતી વિશેષ સરકારી વકીલ સુનિલ ગોન્ઝાલ્વિસે કરી હતી.
સુનાવણી દરમિયાન પૂજારીએ પોતાને કંઈક જણાવવું હોવાથી બોલવા દેવાની વિનંતી કોર્ટને કરી હતી.એ અનુસાર જજે પૂજારીને પરવાનગી આપ્યા બાદ મારે તપાસ અધિકારીઓને થોડી મહત્ત્વની માહિતી આપવી છે અને તેથી પોલીસ કસ્ટડીમાં હજી પાંચ દિવસનો વધારો થાય તો મને વાંધો નથી એમ પૂજારીએ કોર્ટમાં જણાવ્યું હતું.એ પછી જજે સુનાવણીના અંતે પૂજારીની પોલીસ કસ્ટડીમાં 15 માર્ચ સુધી વધારો કર્યો હતો.
ગયા મહિના મુંબઈ પોલીસને તાબો મળ્યો : વિદેશ ફરાર થયેલ રવિ પૂજારી અનેક વર્ષ ઓસ્ટ્રેલિયામાં છુપાઈને રહ્યા પછી આફ્રિકાના સેનેગલમાં સ્થળાંતરિત થયો હતો.ત્યાંની પોલીસે ધરપકડ કરીને એના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો પછી ભારતીય તપાસ યંત્રણાએ એનો તાબો મેળવવા માટે પ્રયત્ન કર્યા હતા.