નવીદિલ્હી, તા.12 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ઘાયલ થયાના થોડા જ કલાકો બાદ નંદીગ્રામના બિરુલિયાથી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ડખ્ખા શરૂ થઈ ગયા હતા.આંતરિક વિવાદ બાદ નંદીગ્રામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વ્યાપી જવા પામી છે.મમતા બેનરજી આજે પણ હોસ્પિટલમાં દાખલ છે અને વ્હીલચેર મારફતે જ ચૂંટણી પ્રચારની તૈયારી કરી રહ્યા છે.પૂર્વ મિદનાપુર પોલીસ અને જિલ્લા તંત્રના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.આ અધિકારીઓએ સ્થાનિક લોકો અને ઘટનાને નજરે જોનારા લોકો સાથે વિસ્તૃત વાતચીત પણ કરી હતી.
નંદીગ્રામમાં મમતાના મુખ્ય ચૂંટણી એજન્ટ અબુ સુફિયાને કહ્યું કે તેમણે પોલીસને ઔપચારિક ફરિયાદ કરી છે કે તેઓ મુખ્યમંત્રી પર હુમલાના અપરાધીક કાવતરાની ઉંડી તપાસ કરે.સૂફિયાને કહ્યું કે તેની પાસે સચોટ માહિતી છે કે અનેક આસામાજિક તત્ત્વોએ બહારથી નંદીગ્રામમાં પ્રવેશ કર્યો અને પછી મમતા બેનરજી ઉપર હુમલો કરી દીધો હતો.
તૃણમુલના વિરોધ પ્રદર્શનમાં સામેલ પક્ષ કાર્યકરોએ કથિત હુમલા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે.તેમણે કહ્યું કે ભગવા પાર્ટીએ લોકોને ભડકાવવા માટે આવું કર્યું છે.બીજી બાજુ બિરુલિયાના રહેવાસી અને ભાજપના જિલ્લા પ્રમુખ પ્રોલય પાલે કહ્યું કે હા, આ પટ્ટામાં ભાજપ સમર્થકો છે.મુખ્યમંત્રીની એક ઝલક મેળવવા માટે બુધવારે સાંજે 100 લોકોએ સડક પર જામ લગાવી દીધો હતો.જે થયું તે દૂર્ઘટના પણ હોઈ શકે છે.ભાજપને શા માટે દોષિત ઠેરવવામાં આવી રહ્યું છે તે સમજાઈ રહ્યું નથી.

