– રાજસ્થાનથી ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂ લવાયો હતો
સુરત : સુરતના ઇન્ટુકના પ્રમુખ છગન મેવાડાના નામે સહારા દરવાજા પાસે આવેલા મેવાડા પાર્કિંગમાં રાજસ્થાનથી આવેલાં ટેમ્પોમાંથી 3.98 લાખની કિંમતનાં 3884 નંગ વહીસ્કીના પાઉચનો જથ્થો મળી આવ્યો હતો.આ સાથે ત્રણની ધરપકડ કરવામાં આવી હતા.દારૂનો જથ્થો મગાવનાર છગન મેવાડાના પુત્ર મહેન્દ્ર અને ગોડાદરાના બુટલેગર સમાધાન ઉર્ફે સંભો પાટીલ સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.ઇન્ટુકના પ્રમુખે બચાવ કરતા જણાવ્યું હતું કે,અમે પાર્કિંગ ભાડે આપ્યું છે અમારો કોઈ રોલ નથી.
ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સપેક્ટર ટી.એ. ગઢવીના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે ચાર વાગ્યે સહારા દરવાજા પાસે આવેલા મેવાડા પાર્કિંગમાં રેડ કરી હતી.પોલીસને માહિતી મળી હતી કે આ પાર્કિંગમાં રાજસ્થાનથી આવેલાં ટેમ્પો નંબર (RJ-14-GD-5399)માં ચોરખાનું બનાવી વ્હીસ્કીના પાઉચનો મોટો જથ્થો લાવવામાં આવ્યો છે.ટેમ્પોમાંથી દારૂ અન્ય ટેમ્પોમાં ટ્રાન્સફર થઇ રહ્યો હતો.ત્યારે જ પોલીસે રેડ કરી શીવલાલ પન્નાલાલ માળી,નરેન્દ્ર તીલારામ લોહાર અને થ્રી-વ્હીલ ટેમ્પોના ચાલક નરેન્દ્ર સંતોષ પાટીલને ઝડપી લીધા હતા.
બે વાહનોમાંથી પોલીસે કુલ્લે 3,98,400ની કિંમતના 3884 નંગ વહીસ્કીના પાઉચ કબજે કર્યા હતા.આ જથ્થો પાર્કિંગના સંચાલકના પુત્ર મહેન્દ્ર મેવાડા અને ગોડાદરાના બુટલેગેર સમાધાન ઉર્ફે સંભો ભાગવત પાટીલે મગાવ્યો હોવાનું બહાર આવતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.સબ ઇન્સપેક્ટર કીતપાલસિંહ પુવારે વધુ તપાસ હાથ ધરી છે.