મહારાષ્ટ્રમાં કોરોના સંકટ : એક જ દિવસમાં 23 હજારથી વધુ કેસ નોંધાયા

278

મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે,ત્યાં સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે.છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૩,૧૭૯ નવા કેસ સામે આવ્યા,જે આ વર્ષમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને ૨૩,૭૦,૫૦૭ સુધી પહોંચી ગયા છે.ઉપરાંત ૮૪ લોકોનાં મોત નિપજ્યાં છે,જેની સાથે રાજ્યમાં મહામારીને લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૫૩,૦૮૦ થઇ ગઇ છે.મુંબઇની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૭૭ કોરોનાના કેસ નોંધાયા અને ૮ લોકોનાં મોત નિપજ્યાં છે.

આ દરમિયાન પાલઘર જિલ્લામાં એક આશ્રમ વિદ્યાલયના ૩૦ વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત મળ્યા છે.આ અઠવાડિયે બે વિદ્યાર્થીઓમાં લક્ષણ દેખાયા બાદ આ કેસ સામે આવ્યા છે.વિદ્યાલયમાં ૧૯૩ વિદ્યાર્થીઓમાંથી મંગળવારે ૩૦ વિદ્યાર્થીઓ આ વાયરસથી સંક્રમિત મળ્યા હતા.સ્વાસ્થ્ય વિભાગ અનુસાર સંક્રમિત બાળકો અને શિક્ષકની જિલ્લામાં કોવિડ-૧૯ કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૫,૮૭૧ નવા કેસ નોંધાયા છે જે વિતેલા ૧૦૦ દિવસમાં સૌથી વધુ છે. ૨૦૨૧ના વર્ષના આ સૌથી વધુ એક દિવસીય કેસ રહ્યા છે.કોરોના સંક્રમણનો અત્યાર સુધીનો આંક વધીને ૧,૧૪,૭૪,૬૦૫ થઈ ગયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ સતત આઠમાં દિવસે કોરોના કેસોમાં ઉછાળો નોંધાયો છે.એક દિવસમાં વધુ ૧૭૨ દર્દીનાં મોત થયા છે જેને પગલે કુલ મૃત્યુઆંક વધીને ૧,૫૯,૨૧૬ થયો છે.

આ સાથે જ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને ૨,૩૪,૪૦૬ થઇ ગઇ છે, જે કુલ કેસના ૨.૦૫ ટકા છે. દેશમાં કુલ ૧,૧૦,૪૫,૨૮૪ લોકો સંક્રમણ મુક્ત થઇ ગયા છે.દર્દીઓના સાજા થવાનો દર ૯૬.૫૬ ટકા છે. જ્યારે મૃત્યુ દર ૧.૩૯ ટકા છે.

Share Now