સુરત : રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો ચૂંટણી પછી વધી રહ્યા છે અને સૌથી વધારે પરિસ્થિતિ સુરતમાં ખરાબ થઈ રહી છે.કારણ કે, છેલ્લા 24 કલાકમાં 324 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે.ચૂંટણી પહેલા પોઝિટિવ કેસનો આંકડો ખૂબ જ ઘટયો હતો પરંતુ હવે કોરોનાનો સંક્રમણ ખૂબ જ વધ્યું છે.જેના કારણે સુરત મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે.સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ BRTS બસના રૂટ અને સિટી બસના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત શહેરના તમામ ગાર્ડન અને સ્વીમીંગ પુલ પણ બંધ કરવામાં આવ્યા છે.ટેક્સટાઇલ માર્કેટમાં પણ સમય બદલવામાં આવ્યો છે અને લોકોને સામાજિક અંતર અને માસ્ક નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે.
કોરોનાનું સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રાત્રે 7 વાગ્યે તમામ દુકાનો અને પાનના ગલ્લાઓ બંધ કરાવવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ કેટલી ગાઈડલાઈનમાં પણ સુરત મહાનગરપાલિકાએ ફેરફાર કર્યો છે.જેમાં બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાત સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન રહેવું પડશે.ઘરમાં અન્ય લોકોને પણ કોરોનાનો ચેપ ન લાગે તે માટે ઘરમાં આઇસોલેસનમાં રહેવું પડશે અને સાત દિવસમાં જો કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાનો રહેશે.જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બીજો પણ એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે, બહારના રાજ્યમાંથી આવીને સુરતની હોટેલમાં રોકાતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.
બહારના રાજ્યોમાંથી આવતા લોકો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોટલની અંદર રોકાવાની મંજૂરી આપવામાં આવશે.હોટલ માલિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમને બહારના રાજ્યોમાંથી આવતા ગેસ્ટ પાસેથી RT-PCR રિપોર્ટ લેવાનું કહેવામાં આવ્યું છે.જેથી અમે રિપોર્ટ લીધા બાદ જ મહેમાનોને રૂમ આપીશું.
હોટલ માલિકે વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો અમારી હોટેલમાં આવે છે.તેમના હાથ પહેલા સેનિટાઈઝ કરવામાં આવે છે.ત્યારબાદ તેમને હેન્ડ ગ્લોઝ આપીએ છીએ અને પછી એક ફોર્મ ભરાવવામાં આવે છે,જેમાં તેઓ ક્યાંથી આવ્યા છે કેટલા દિવસ રહેવાના છે ક્યાં જવાના છે અને તેમને કોઈ લક્ષણો છે કે નહીં તે બધી વસ્તુઓ આ ફોર્મમાં ભરવાની રહે છે.આ ઉપરાંત વ્યક્તિને રૂમ આપતા પહેલા રુમ સેનિટાઈઝ કરવામાં આવે છે અને વ્યક્તિના રૂમ ખાલી કર્યા પછી પણ રૂમને સેનિટાઈઝ કરવામાં આવે છે.


