વાંકાનેર નગરપાલિકાના 14 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા, આ છે કારણ

243

મોરબીની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણી દરમિયાન ભાજપના 14 જેટલા સભ્યોએ અપક્ષ ઉમેદવારને સમર્થન આપતા વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ તરીકે અપક્ષ ઉમેદવાર જયશ્રી સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્ર જાડેજાની વરણી થઈ હતી.નગરપાલિકામાં ભાજપના સભ્યોની બહુમતી હોવા છતાં પણ નગરપાલિકા અપક્ષના ફાળે ગઈ હતી અને આની પાછળ જવાબદાર કારણ ભાજપનો આંતરિક વિખવાદ હોવાનું સામે આવ્યું છે.

મોરબીની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સ્થાનિક કક્ષાએથી નામ મોકલવામાં આવ્યા હતા પરંતુ પાર્લામેન્ટરી દ્વારા આ નામોને ના મંજૂર કરવામાં આવતા ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં નારાજગી સામે આવી હતી અને 14 જેટલા સભ્યોએ પોતાના રાજીનામા શહેર પ્રમુખને સોંપી દીધા હતા અને અપક્ષને ટેકો જાહેર કર્યો હતો.જેના કારણે પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા 14 સભ્યોની સામે પ્રદેશ ભાજપ દ્વારા તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવામાં આવી છે.

વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારને મત નહીં આપીને અપક્ષ ઉમેદવારને સમર્થન કરનારા સભ્યોને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 14 સભ્યોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવતા મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.જે સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મીરા ભટ્ટી,દેવુ પલાણી,કાંતિ કુંઢીયા,કોકિલા જોશી,ધર્મેન્દ્રસિંહ જાડેજા,હેમા ત્રિવેદી,ભાવેશ શાહ,રાજ સોમાણી,કેશુ જાદવ,જયશ્રી સેજપાલ,સુનિતા મહેતા,શૈલેષ દલસાણીયા,માલતી ગોહેલ અને ભાવના પાટડીયાનો સમાવેશ થાય છે.

એક તરફ ભાજપના નેતાઓ પક્ષમાં વિખવાદ અને આંતરિક જૂથવાદ નહીં હોવાની વાત કરે છે અને બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના કારણે ભાજપને નગરપાલિકા ગુમાવવાનો વારો આવી રહ્યો છે.મહત્ત્વની વાત છે કે, જ્યારે ભાજપ દ્વારા ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે પણ કેટલીક જગ્યા પર સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓનો વિરોધ સામે આવ્યો હતો.છેલ્લા 25 વર્ષથી વાંકાનેર નગરપાલિકામાં ભાજપનું શાસન હતું અને હવે ભાજપના સભ્યોના બળવાના કારણે ભાજપના આ નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે.ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓના અંદરો અંદરના વિખવાદના કારણે વાંકાનેરમાં અપક્ષ ફાવી ગયું છે.

Share Now