અમદાવાદ તા.19 : રાજયના મહાનગરોમાં રાત્રી કર્ફયુની જાહેરાત બાદ તુરંત તેમાં એક કલાકનો વધારો કરીને અમદાવાદ,સુરત અને વડોદરામાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી અમલ શરૂ કરી દેવાયો છે.તો દર શનિ અને રવિવારે મોલ અને થિયેટર પૂરો દિવસ બંધ રાખવા જાહેરાત કરી દેવાઇ છે.જો કે રાજકોટમાં હજુ સમય રાત્રે 10 થી સવારે 6નો છે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવા પગલા સતત જાહેર કરાઇ રહ્યા છે.જો કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બે ટી-20 મેચ 70-70 હજાર પ્રેક્ષકોની હાજરીમાં રમાયા બાદ આ આદેશો બહાર પડાયા છે.
રાજ્યમાં કોરોના ક્ધટ્રોલ બહાર થઈ રહ્યો છે.અમદાવાદમાં ગઈકાલે 304 નવા કેસ નોંધાતા તંત્ર સફાળું જાગ્યું છે અને આકરા નિર્ણયો લાગુ કરવાનું શરૂ કર્યું છે.જે મુજબ ગઇકાલે રાતના 9 વાગ્યાથી જ કફર્યું લાગી ગયો છે.જ્યારે શનિ – રવિ મોલ, થિયેટર આખો દિવસ બંધ રહેશે.બેકાબુ બનેલા કોરોના સંક્રમણને અટકાવવા અમદાવાદ મનપાએ સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
છેલ્લાં કેટલાંક દિવસોમાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે.આ અંગે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજયના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને,મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર,જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તેમજ અન્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટ કરાયેલ ખાનગી કોવિડ -19 હોસ્પિટલોની સંખ્યા,પથારીઓની ઉપલબ્ધતા,મેડીકલ તથા પેરા – મેડીકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા તથા રસીકરણ વગેરેને ધ્યાને લઈ ચર્ચા કરવામાં આવી.વિસ્તૃત સમીક્ષાના અંતે અમદાવાદના તમામ મોલ અને સિનેમાગૃહો દર શનિ – રવિવારે સંપૂર્ણ બંધ રહેશે અને અન્ય દિવસોમાં કોવિડ પ્રોટોકોલનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે.તેમજ અમદાવાદમાં રાત્રી કરફયુનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે,જેનો તમામ શહેરીજનોએ ચૂસ્ત અમલ કરવાનો રહેશે તેવો નિર્ણય લેવાયો છે.કોરોના સંક્રમણને ફરી વધતું અટકાવવા તમામ શહેરીજનોને સહકાર આપવા,માસ્ક અચૂક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.


