ગાંધીનગર, તા. 19 : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતને રૂા.10,121 કરોડની કેન્દ્રીય સહાય પુરી પાડી છે.આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશમાં 110 લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે.જેમાંથી 7,68,809 મકાન ગુજરાતમાં છે.કેન્દ્રીય હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ રાજયમંત્રી હરદીપસિંઘ પુરીએ આ માહિતી 17 માર્ચ 2021ના રોજ રાજયસભામાં સાંસદ પરીમલ નથવાણીએ પુછેલા પ્રશ્ર્નના ઉત્તરમાં આપી હતી.
આ યોજના હેઠળ ગુજરાત માટે રૂા.14,182 કરોડ સહિત દેશમાં કુલ રૂા.1,78,076 કરોડની કેન્દ્રીય સહાયને મંજૂરી આપવામાં આવી છે.તેમાંથી ગુજરાત માટે રૂા. 10,121 કરોડ સહિત સમગ્ર દેશમાં અન્ય રાજયોને કુલ રૂા.90,538 કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે. કુલ 112 લાખ ઘરની સામે અત્યાર સુધીમાં 110 લાખ મકાન માટે મંજૂરી આપી દેવામાં આવી છે.તેમાંથી 74.8 લાખ મકાનોનું બાંધકામ શરૂ થઇ ચુકયુ છે. બાંધકામ પૂર્ણ થયેલા 43.3 લાખ મકાનો છે.
આવાસ યોજના હેઠળ કેટલા લોકોને સબસીડી આપવામાં આવી છે અને આ યોજનાના અમલીકરણમાં આવતી અડચણો અંગે જાણવા માંગતા પરીમલ નથવાણીને જણાવ્યું કે બાંધકામ માટેની સ્થાનિક પરવાનગી,બિલ્ડીંગ પ્લાન,લેઆઉટ,પર્યાવરણની મંજૂરી,કોસ્ટલ એરીયાના પ્રતિબંધો,ડિફેન્સની મંજૂરી,લાભાર્થીઓ માટે ફંડની વ્યવસ્થા,ટેન્ડરની પ્રક્રિયા,પ્રોજેકટ શરૂ કરતા પહેલા પાણી પુરવઠા,ગટર,એપ્રોચ રોડ વગેરે જરૂરી માળખાકીય સુવિધાઓ આ પ્રકારના પ્રોજેકટની મુખ્ય અડચણો ગણી શકાય.
આ યોજના ઝડપી અમલીકરણ માટે એકસ્ટ્રા બજેટરી રીસોર્સ તરીકે રૂા. 60000 કરોડના નેશનલ અર્બન હાઉસીંગ ફંડની રચના કરવામાં આવી છે.અફોર્ડેબલ હાઉસીંગ સેગમેન્ટમાં હાઉસીંગ લોનના વ્યાસનો બોજો ઘટાડવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં પ્રાયોરીટી સેકટર લેન્ડીંગ શોર્ટફોલનો ઉપયોગ કરીને રૂા.10000 કરોડની નેશનલ હાઉસીંગ બેન્કની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત રૂા.10000 કરોડની ફાળવણી 2019-20માં કરવામાં આવી હતી.


