વલસાડ : વલસાડ નગરપાલિકાના સત્તાધારી ભાજપ પક્ષના જ એક કોર્પોરેટરે અર્ધ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે.વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ કચ્છીએ પોતાના માથાના અડધા વાળ,અડધી મૂછો અને અડધી દાઢીનું મુંડન કરાવ્યું હતું.પોતાના મતવિસ્તારના કામો નહીં થતાં હોવાથી અને પોતાનો જ અવાજ નગરપાલિકાના સત્તાધીશો નહીં સાંભળતા હોવાથી નારાજ થઈને આ વિચિત્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રવીણ કચ્છીના આક્ષેપ પ્રમાણે વલસાડ નગરપાલિકામાં તેમની રજૂઆતોને પ્રાધ્યાન આપવામાં આવતું નહીં હોવાથી આજે તેઓ નારાજ છે અને આ રીતે અર્ધ મુંડન કરાવી પોતાનો વિરોધ વ્યક્ત કરવો પડી રહ્યો છે.પ્રવીણ કચ્છી વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી વર્ષોથી ભાજપની ટિકિટ પર ચૂંટાતા આવે છે.તે અગાઉ પણ અનેક વખત વલસાડ નગરપાલિકાની સામાન્ય સભાઓમાં અને સામાન્ય દિવસોમાં પણ પોતાના મત વિસ્તારના કામોને સત્તાધીશોના કાન સુધી પહોંચાડવા માટે આવી જ રીતે વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે.
આજે તેમણે કરેલો વિચિત્ર વિરોધ પ્રદર્શન શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.પ્રવીણ કચ્છી જે ભાજપના કોર્પોરેટર છે તેઓનો આક્ષેપ છે કે વલસાડ નગરપાલિકામાં પાલિકાના સત્તાધીશો કે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેમના મત વિસ્તારના પાણીના અને ડ્રેનેજના પ્રશ્નોની અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરતાં આવ્યા છે.તેમ છતાં હજુ સુધી તેમની રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવામાં આવી હોવાથી,તેમના મત વિસ્તારના કામો અને માંગને પુરી કરવામાં નહીં આવતી હોવાથી તેઓ નારાજ છે.પોતાની નારાજગી વ્યક્ત કરવા,સત્તાધીશો સુધી પોતાનો અવાજ પહોંચાડવા અને લોકોને જાગૃત કરવા આવી રીતે ના છૂટકે તેઓએ પોતાના માથાના વાળ,મૂછો અને દાઢીને અર્ધ મૂંડન કરવી પડી હતી. પોતાનો અવાજ સત્તાધીશોના કાન સુધી પહોંચવા માટે આવી જ રીતે વિરોધ પ્રદર્શન કરી અને પ્રવીણ કચ્છીએ લોકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું.ભાજપના કોર્પોરેટરે કરેલા અનોખા વિચિત્ર વિરોધ પ્રદર્શનને કારણે વલસાડ નગરપાલિકાના સત્તાધારી ભાજપ પક્ષની જ ફજેતી થઇ રહી છે.