મુંબઈ, તા. 21. માર્ચ : મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ફોડેલા લેટર બોમ્બ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.દરમિયાન ભાજપની સાથે સાથે હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ સરકાર પર હુમલો કરતા કહ્યુ છે કે,કોઈ ગૃહ મંત્રી કોઈ પોલીસ અધિકારીને 100 કરોડ વસુલ કરવા માટે આદેશ આપે તેવુ મેં મારી જિંદગીમાં સાંભળ્યુ નથી.મહારાષ્ટ્ર તો ઠીક છે પણ દેશમાં પણ ક્યાંય આવુ થયુ નહીં હોય.
રાજ ઠાકરેએ ગૃહ મંત્રી અનિલ દેશમુખને સવાલ કર્યો હતો કે, જો તમારા મતે પોલીસ કમિશનર પોતાને બચાવવા માટે આ પ્રકારના આરોપ લગાવતા હોય તો અને તે જો સચિન વાજેની સાથે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકવામાં સામેલ હોય તો આ મામલાની તપાસ પહેલા કેમ ના કરાવી,કેમ પરમબીરસિંહને પહેલા પદ પરથી ના હટાવાયા અને કેમ તેમની બદલી ના કરી ?અનિલ દેશમુખ પોતાની જવાબદારીઓમાંથી છટકી શકે તેમ નથી.તેમણે તરત જ રાજીનામુ આપી દેવુ જોઈએ અને જો તે રાજીનામુ આપવા તૈયાર ના હોય તો તેમને આ માટે ફરજ પાડવી જોઈએ.
તેમણે કહ્યુ હતુ કે,પહેલા આતંકીઓ બોમ્બ મુકતા હતા અને હવે ખબર પડી કે પોલીસ બોમ્બ મુકે છે.પોલીસે કોના કહેવા પર વિસ્ફોટકો ભરેલી કાર મુકી તેની તપાસ થવી જોઈએ.કોઈ મોટા વ્યક્તિના આદેશ વગર સચિન વાજેએ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકી હોય તે શક્ય નથી.
ઠાકરેનુ કહેવુ છે કે, અગાઉ સસ્પેન્ડ થયેલા સચિન વાજે શિવસેનામાં કેવી રીતે આવ્યા અને તેમને શિવસેનામાં સામેલ કરવા માટે કોણ લઈને ગયુ હતુ,મારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે આ મામલાની તપાસ કરાવે નહીંતર લોકોનો પોલીસ અને સરકાર પરથી ભરોસો ઉઠી જશે.
રાજ ઠાકરેએ તો એમ પણ કહ્યુ હતુ કે,આજે એક જ શહેરના પોલીસ કમિશનર દર મહિને 100 કરોડ રુપિયાની ઉઘરાણીનો આરોપ લગાવી રહ્યા છે તો વિચારવા જેવુ છે કે,મહારાષ્ટ્રમાં આટલા બધા શહેર છે તો કેટલા કરોડનો ટાર્ગેટ અપાયો હશે ?