સુરત, તા. 24 માર્ચ : સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે.નાનપુરાના એક જ એપાર્ટમેન્ટમાં એક સાથે સાત કેસ આવતા પાલિકા તંત્ર દોડતું થયું છે.પાલિકા કમિશનર સહિતની ટીમ ત્યાં જઈને લોકોને સાવચેત કર્યા હતા.સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ 500ની આસપાસ કેસ થઈ રહ્યા છે.ગીચ વસ્તી ધરાવતા સેન્ટ્રલ ઝોનમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે.
નાનપુરા વિસ્તારનાં તક્ષશિલા નામના એપાર્ટમેન્ટમાં એક સાથે સાત કેસ આવ્યા છે.આ સંક્રમણ વધે નહીં તે માટે મહાનગરપાલિકા કમિશનર સહિતની ટીમ પહોંચી ગઈ હતી.લોકોને બિનજરૂરી બહાર નીકળવા માટેની અપીલ સાથે કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.


