– રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપેલો સંકેત
મુંબઇ : મુંબઇ,પુણે અને અન્ય શહેરોમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં થઇ રહેલા વિસ્ફોટક વધારાને ધ્યાનમાં લઇને સ્થિતિનો તાગ મેળવી લગભગ બે દિવસમાં ફરી લોકડાઉન અંગેનો નિર્ણય લેવામાં આવશે એવો સંકેત મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આજે આપ્યો હતો.
આરોગ્ય પ્રધાન ટોપેએ જણાવ્યું હતું કે સરકાર નથી ઇચ્છતી કે ફરીથી લોકડાઉન લાદવુ પડે.પણ જે રીતે કોરોનાના કેસમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે એ જોતાં બધી પરિસ્થિતિનો વિચાર કરીને આખરી વિકલ્પ લોકડાઉનનો હશે.મુંબઇની સબર્બન ટ્રેનોમાં સામાન્ય લોકોને પ્રવાસની મંજૂરી આપવામાં આવ્યા પછી કોવિડના કેસમાં વધારો થયો હોવાનું મનાય છે.એટલે સબર્બન ટ્રેનોમાં કઇ રીતે નિયંત્રણ મૂકીને ભીડ કાબૂમાં લઇ શકાય તેનો પણ વિચાર કરવામાં આવશે.આ ઉપરાંત માર્કેટો,બજારો અને શોપિંગ મોલ્સમાં કોરોનાને લગતા નિયમોનું પાલન થાય એ માટે ચાંપતી નજર રાખવામાં આવશે.દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાના સક્રિય દરદીઓની સંખ્યા ૨.૧૫ લાખ ઉપર પહોંચી હોવાથી ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે.

