સુરત તા.27 : ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સુરતમાં હાલત વધુ ખરાબ બની રહી છે ત્યારે શહેરમાં બહારથી આવતા તમામ લોકોનાં કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવ્યા છે.બહારથી આવતા લોકો માટે કોરોના નેગેટીવ રીપોર્ટ મંગાશે નહિં હોય તો સ્થળ પર જ ટેસ્ટીંગ કરાશે.શહેરમાં ખતરનાક બનતા સંક્રમણ વચ્ચે કોર્પોરેશને આ નિર્ણય લીધો છે.કોરોનાની સારવારમાં બેડ ખૂટી પડવાની આશંકાથી મલ્ટીલેવલ પાર્કીંગમાં 540 કોવીડ બેડ ઉભા કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.
સુરત કોર્પોરેશન દ્વારા કરાયેલી સતાવાર જાહેરાત પ્રમાણે કોરોનાનું સંક્રમણ રોકવા માટે પ્રયત્નો કરવામાં આવી જ રહયા છે.છતાં લોકોની બેદરકારીથી તે વકરી રહ્યું છે.માસ્ક પહેરવા જેવા નિયમોનું ગંભીરતાથી પાલન થતુ નથી.મહિધરપુરા તથા હીરાબજારમાં કેસો ઘણા વધતાં ત્યાનાં એન્ટ્રી પોઈન્ટ પર કોરોના ટેસ્ટીંગ વેકસીનેશન સેન્ટર ઊભા કરાયા છે.આ સિવાય સુરત શહેરમાં બહારથી કે બહારગામથી મુસાફરી કરીને આવતા લોકો પાસે કોરોના રીપોર્ટ માંગવામાં આવશે તેઓ પાસે ન હોય તો સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવશે જે નેગેટીવ હશે તોજ એન્ટ્રી આપવામાં આવશે.ગુજરાતમાં કોરોનાનું નવુ સંક્રમણ ખતરનાક સ્તરે છે અને છેલ્લા પાંચ દિવસથી રેકોર્ડબ્રેક સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.સુરત હોટસ્પોટ હોય તેમ સૌથી વધુ કેસ છે ત્યારે મહાનગરમાં બેડ ખૂટી પડયા છે.જેને પગલે તંત્ર દ્વારા મલ્ટીલેવલ પાર્કીંગમાં 540 બેડની કોવીડ હોસ્પીટલ ઉભી કરવાની ફરજ પડી છે.
સુરત શહેર જીલ્લા ગઈકાલે અત્યાર સુધીનાં સૌથી વધુ 745 કેસ નોંધાયા હતા.જે સમગ્ર રાજયના કુલ કેસ કરતા ત્રીજા ભાગના છે.વધતા કેસો વચ્ચે બેડ ખૂટી પડયા છે.સુરતમાં 3345 એકટીવ કેસ છે.સંક્રમણ હજુ વધતુ હોવાની હકીકતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા સંચાલીત સ્મીમર હોસ્પીટલનાં મલ્ટીલેવલ પાર્કીંગમાં 540 બેડની કોવીડ સુવિધા ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બીજી તરફ સુરતમાં કોરોના મૃતકોમાં પુરૂષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ વધી જતાં આરોગ્યતંત્ર પણ ચોંકી ઉઠયુ છે. 25 જાન્યુઆરીથી 25 માર્ચ દરમ્યાન સુરતમાં કોરોનાથી 21 લોકોના મોત થયા હતા. તેમાંથી 14 મહિલાઓ હતી.
સુરત નવી સીવીલ હોસ્પીટલનાં કોવીડ નોડલ ઓફીસર ડો.અમીત ગામીતે એકરાર કર્યો કે ચાલુ 2021 ના વર્ષમાં કોરોનાથી સંક્રમિત મહિલાઓની માત્રા આઈસીયુમાં વધુ રહી છે. 2020 માં મહિલાઓ કરતા પુરૂષોનાં મોતનું પ્રમાણ વધુ હતું.ચાલુ વર્ષે પુરૂષો કરતા મહિલાઓના કોવિડ મૃત્યુદર વધુ છે આ મુદ્દે અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો.સુરત કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી ડો.પ્રદિપ ઉમરીગરે જણાવ્યું હતું કે સીવીલ હોસ્પીટલમાં બેડ ક્ષમતા 2225 છે.સ્મીમર હોસ્પીટલમાં 650 બેડ છે. હવે મલ્ટીલેવલ પાર્કીંગમાં 540 બેડની સુવિધા ઉભી થશે.તેમાં ઓકસીજન સુવિધા પણ રહેશે.સુરતમાં ચાલુ વર્ષ દરમ્યાન અત્યાર સુધીમાં 6092 પુરૂષો તથા 3629 મહિલાઓ સહીત 9721 પોઝીટીવ કેસ નોંધાયા છે.