– મૃતકની માતાએ કહ્યું કે,દીકરીને લગ્ન કરીને ડોલીમાં બેસાડવાની જગ્યાએ અર્થી કાઢવી પડી
– મૃતકના ભાઈએ કહ્યું,ભલે વગ વાપરે પણ બહેનને ન્યાય અપાવવા માટે છેક સુધી લડી લઈશ
સુરત : સુરત ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા દ્વારા ઉર્વશી ચૌધરીને દારૂ પીધેલી હાલતમાં ગાડી હંકારતા અડફેટે લેતા મોત નીપજ્યું હતું.પરિવારજનોના આક્ષેપ છે કે,અમારા ઉપર ફોન કરીને કેસને દબાવી દેવા માટે લાલચ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.રૂપિયા અને રાજકીય વગ વાપરીને કેસને રફેદફે કરવા માટે તમામ ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે.
અતુલ વેકરીયા ઉર્વશી ચૌધરી નામની યુવતીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. ઉર્વશી ચૌધરીની અંતિમ વિધિ સુરત જિલ્લાના બારડોલી ખાતે કરવામાં આવી હતી.મૃતકના પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે,અતુલ વેકરીયાના રાજકીય સંબંધો નેતાઓ સાથેના ખૂબ જ નજીકના હોવાથી અને પોતે પૈસાદાર હોવાથી પોલીસ પણ તેને આશરો આપી રહી છે.જેના કારણે પોલીસની કામગીરી ઉપર પણ શંકા ઊભી થઈ છે.
મૃતકના ભાઇ નીરજ ચૌધરીએ પોતાની નિર્દોષ બહેનને મોતને ઘાટ ઉતારનાર અતુલ વેકરીયા સામે કડક માં કડક સજા થાય તેવી માગ કરી હતી.કાયદાકીય રીતે મારી બહેનને ન્યાય મળે એવી અમે પરિવારજનો આશા રાખીને બેઠા છીએ.પરંતુ જે પ્રકારના ખેલ પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યા છે તે જોતા અમને પોલીસની કામગીરી ઉપર પણ શંકા ઊભી થઈ છે.ભલે અતુલ વેકરીયા ગમે તેટલા પ્રયાસો કરીને અમારા ઉપર દબાણ લાવી કેસને દબાવવાનો પ્રયાસ કરશે પરંતુ હું મારી બહેનને ન્યાય અપાવીને જ રહીશ.
મૃતકની માતાએ જણાવ્યું કે,મારે મારી દીકરીની લગ્ન કરીને વિદાય કરવાની હતી,પણ અમારે તેને અગ્નિદાહ આપવો પડયો છે.મારી દીકરીના મોત માટે મને 25 કે 50 લાખ રૂપિયામાં આપવામાં આવે તો એ રૂપિયાનુ અમે શું કરીશું.મારી વહાલસોયી દીકરીથી બીજું કોઈનું મહત્વ નથી.એ મારી દીકરી નહીં પરંતુ દીકરો હતો.અમે ન્યાયની આશા રાખી રહ્યા છીએ.અમારા પરિવારમાંથી જો કોઇને કંઇ પણ થશે તો તેના માટે અતુલ વેકરીયા જવાબદાર હશે.
ફોન દ્વારા લાલચ અપાય છે
મૃતક ઉર્વશીના કાકા અતુલભાઈએ જણાવ્યું કે ભાજપની સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરે છે.ત્યારે અમારી દીકરીને સાથે અન્યાય કરવા માટે એક હત્યારાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે,તે ખૂબ જ દુઃખદ બાબત છે.અમારા પરિવાર ઉપર ઉર્વશીનો એકાએક થયેલા અવસાનને કારણે આભ તૂટી પડયું છે.મારા ભાઈ ઉપર અતુલ વેકરીયા પોતાનો રાજકીય વગ વાપરીને ફોન કરીને કેસ પરત ખેંચી લેવા માટે દબાણ આવી રહ્યા છે.રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે.પરંતુ અમે નિર્દોષ છીએ.અમે અમારી દીકરીને ગૂમાવી છે.અમે કોઈપણ પ્રકારના દબાણ અને લાલચમાં ન આવીને તેને ન્યાય અપાવવા માટે અંત સુધી લડાઇ લડીશું.ભલે એમની પાસે ગમે તેટલો રાજકીય વગ હશે અને પૈસાનો જોર હશે.તો પણ અમને ન્યાયાલય ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે,અમને ન્યાય મળશે.
મૃતકના એડવોકેટે અલય દવેએ જણાવ્યું કે, ઉમરા પોલીસ દ્વારા જે પ્રકારની એફઆઈઆર નોંધવામાં આવી છે.તેના ઉપરથી સૌ કોઈને સ્પષ્ટતા થઈ ગઈ છે કે,આ કેસમાં પોલીસ હત્યારા અતુલ વેકરીયાને બચાવવા માટે સંપૂર્ણ કોશિષ કરી રહી છે.જે કલમો લગાવવી જોઈએ તે કલમ ન લગાવીને ઉર્વશી ચૌધરી સાથે અન્યાય થઈ રહ્યો છે.સમગ્ર ઘટનામાં દોષિત સામે જે પ્રકારની કાયદાકીય કલમ લગાડવી જોઈતી હતી.તે ન લગાડીને પોલીસની કેસ પ્રત્યેની તટસ્થતા સૌની સામે આવી ગઈ છે.અમે ન્યાય માટે હાઇકોર્ટ સુધી પિટિશન કરવા માટેની તૈયારી કરી છે.


