– માલેતુજાર પરિવારના બંને નબીરાના કેસ રફેદફે કરવા પ્રયાસ થયા
સુરત : સુરતમાં જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ દારૂના નશામાં 30 લાખની કારથી એક મહિલાને અડફેટે લઈને મોત નીપજાવી દેતાં હાલ આ કેસ શહેરભરમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યો છે.ત્યારે જણાવી દઈએ કે આ કેસ અમદાવાદના બીએમડબ્લ્યુ કારથી અકસ્માત સર્જનાર વિસ્મય શાહ જેવો જ છે,જેમાં વિસ્મયે કારથી અડફેટે લઈ બેને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ બંને કેસમાં બંને આરોપી માલેતુજાર પરિવારમાંથી આવે છે.અતુલ વેકરિયાના દિગ્ગજ નેતાઓ સાથેના ગાઢ સંબંધોના કારણે અકસ્માતના દિવસથી જ કેસને રફેદફે કરી દેવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે.અતુલ વેકરિયા તરફથી મૃતકના પરિવારને રૂપિયાની લાલચ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ થઈ ચૂક્યો છે.
શહેરના પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પર એસ.ડી.જૈન સ્કૂલ પાસે ગત શુકવારે રાત્રે સાડાઆઠ વાગ્યે લકઝુરિયસ કારના ચાલકે બે ટૂ-વ્હીલર ઉડાવી દીધાં હતાં.કારનો ચાલક જાણીતી અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા જાતે દારૂના નશામાં કાર ચલાવતો હતો. ટોળાએ અતુલ બેકરીના માલિકને પકડી ઉમરા પોલીસને હવાલે કર્યો હતો. બીજી તરફ, યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી,જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોડી રાતે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. મૃતક યુવતીનું નામ ઉર્વશી મનુ ચૌધરી હતું અને તેની ઉંમર 28 વર્ષની તેમજ તે વેસુ અભિષેક પાર્કમાં રહેતી હતી અને યુનિવર્સિટીમાં નોકરી હતી.મૃતક યુવતી મમ્મી-પપ્પા અને ભાઈ સાથે રહેતી હતી.
અતુલ વેકરિયાને જ્યારે પકડી પીસીવાનમાં બેસાડવા જઈ રહી હતી એ વખતે પણ અતુલ વેકરિયા જાણે ચાલવાની સ્થિતિ પણ ન હતો.આ કેસમાં જાણીતા અતુલ બેકરીનો માલિક હોઈ,ઉપરથી તે ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોય,જેને કારણે પોલીસ દ્વારા અકસ્માતની હળવી કલમો લગાડી મામલો દબાવી દેવાના પ્રયાસ પણ કરાયા હતા.સીસીટીવી પણ સામે આવ્યા બાદ અતુલ વેકરિયાનો દારૂના નશાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ સકંજો કસવામાં આવ્યો છે.જોકે પહેલાં સામાન્ય કલમો લગાવવામાં આવતાં અતુલ વેકરિયાને 24 કલાકમાં જામીન મળી ગયા હતા.
પહેલા સામાન્ય કલમો બાદ બે દિવસે સાપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.હવે અતુલ વેકરિયાનો દારૂ પીધો હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,જેથી મોટર વેહિકલ એક્ટ 185ની કલમ ઉમેરવામાં આવશે.આ કલમને કારણે અતુલની મુશ્કેલીમાં વધારો થયો છે.આ કલમને કારણે હવે અતુલના જામીન રદ થશે અને પોલીસ ગમે ત્યારે અતુલની ધરપકડ કરી શકે છે.


