મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય અશાંતિ વચ્ચે બોમ્બે હાઈકોર્ટમાં મુંબઇનાં ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતી કોર્ટે આ કેસને અસાધારણ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, પરમબીર સિંહનાં આક્ષેપો ખૂબ ગંભીર છે. વળી, કોર્ટે મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની પ્રાથમિક તપાસ 15 દિવસમાં શરૂ કરવાનું કહ્યું છે.જો કે તાત્કાલિક કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવશે નહીં.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ મામલામાં મહારાષ્ટ્ર પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે, પરંતુ આક્ષેપો સીધા રાજ્યનાં ગૃહ પ્રધાન પર છે,તેથી નિષ્પક્ષ તપાસ માટે પોલીસ તેમના પર નિર્ભર નહીં રહી શકે.હાલમાં સીબીઆઈએ આ કેસમાં પ્રાથમિક તપાસ કરવી જોઈએ,જેમાં મુંબઇ પોલીસ અને ગૃહ પ્રધાન સહકાર આપે.આ પછી, સીબીઆઈ ડિરેક્ટર આ અંગે 15 દિવસની અંદર રિપોર્ટ દાખલ કરશે.જો તેમા દેશમુખ વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા અથવા દલીલો મળી આવે તો આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં પરમબીરસિંહે દાવો કર્યો હતો કે, દેશમુખે પોલીસ અધિકારી સચિન વાજેને બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું.પરમબીર આ વખતે હાઇકોર્ટ પહોંચ્યા હતા. પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર ઘણા આક્ષેપો કર્યા હતા.મહારાષ્ટ્રનાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા.વળી એનસીપીનાં પ્રમુખ શરદ પવારે અનિલ દેશમુખનું રાજીનામું નકારી દીધું હતું.