– ડેલકર આપઘાત કેસમાં આરોપીને હોદ્દાથી દૂર કરવા માગ
– SDPOએ ઝપાઝપી કરતાં મામલો ગરમાયો હતો
સાંસદ ડેલકરને ન્યાય આપવાની લડત હવે ઉગ્ર બની રહી હોવાનું શનિવારે સેલવાસના ઇન્દિરા નગરમાં બનેલી ઘટના ઉપરથી જણાય આવે છે.પુતળા દહનના કાર્યક્રમને પોલીસે રોકવાના પ્રયાસમાં પોલીસ અને કાર્યકરો સામસામે આવી જતા ઘર્ષણની સ્થિતિ ઉદભવી હતી.એસડીપીઓએ એક કાર્યકર ઉપર હુમલો કરતા મામલો ગરમાયો હતો.આખરે કાર્યકરોનું ટોળું સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચીને ઘેરાવ કર્યો હતો.પૂતળા દહન સમયે પોલીસ ટીમ રોકવા જતા મામલો બીચક્યો હતો.
થોડા દિવસ અગાઉ દાનહ એસપી મહેશ્વર સ્વામીએ ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જેમાં નક્કી કરાયું હતું કે, તમામ પ્રદર્શનો શાંતિ પૂર્વક કરશે સાધારણ જનતાને કોઈ તકલીફનો સામનો કરવો નહિ પડે.શનિવારે રાત્રે લગભગ 8 થી 9 વાગ્યાના વચ્ચે સેલવાસના ઇન્દિરા નગર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રખાયો હતો.એ દરમ્યાન ઉપસ્થિત લોકોએ ઇન્દિરા નગર ખાતે આવેલી નોનવેજ માર્કેટ નજીક પૂતળા દહન કરવા જતા મામલો બીચકાયો હતો.જેને લઈ એસડીપીઓએ ઉગ્ર બનેલા લોકો સાથે ઝપાઝપી થઇ હતી.ત્યારબાદ ટોળાએ એસડીપીઓ સિધ્ધાર્થ જૈનનો ઘેરાવ કર્યો હતો.
ઉગ્ર બનેલા લોકોએ મોડી રાત સુધી પોલીસ હેડક્વૉટર પણ ઘેરાવ કર્યો હતો.જોકે, પંચાયત માર્કેટ ફાયરને લઈ અતિ સેન્સેટિવ ગણાય છે અહીં સેંકડો નાની મોટી દુકાનો આવેલી છે.આગની ઘટના ન બને એ આશયથી પોલીસે પુતળા દહનને અટકાવ્યો હોવાનું જાણવા મળે છે.બીજી તરફ મોહન ડેલકરના આપઘાત કેસમાં 40થી વધુ દિવસો વિતી જવા છતાં પણ સરકાર દ્વારા કથિત આરોપીને તેમનના હોદ્દા ઉપરથી દૂર ન કરાતા ડેલકરના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે.ડેલકરને ન્યાય અપવવા માટે સમયાંતરે સમર્થકો દ્વારા દેખાવ થઇ રહ્યા છે.
એક તરફ સાંસદ મોહન ડેલકરના સમર્થકો જેમના મુંબઇ પોલીસની એફઆઇઆરમાં નામો છે એવા અધિકારી અને કર્મચારીને તાત્કાલિક હોદ્દા ઉપરથી દૂર કરવા મ ાટે માગ કરી રહ્યા છે.બીજી તરફ સેલવાસના કલેકટર કેટલાક મુદ્દાને લઇને મુંબઇ હાઇકોર્ટમાં એફઆઇઆર રદ કરવા માટે અરજી કરી છે.આ કેસમાં સેલવાસના કલેકટર સંદીપકુમાર સિંગને 9મી એપ્રિલ સુધીની રાહત મળી છે અને કોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે.આ બધા વચ્ચે હવે 9મી એપ્રિલના રોજ હાઇકોર્ટમાં સુનાવણી થયા બાદ ચિત્ર સ્પષ્ટ થાય એવી શક્યતા છે.


