– ગણતરીના દિવસમાં માંગ 20 ગણી વધી,સામે પુરવઠો માત્ર 50 ટકા
– ખાનગી હોસ્પિટલમાં રોજના પાંચ હજારથી વધુ ઓક્સિજન સિલિન્ડરની માંગ
સુરત : રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસો સુરતમાં વધી રહ્યા છે. સરકારી ચોપડે જે આંકડે દર્શાવામાં આવે છે તેના કરતા વાસ્તવીક આંકડાઓ તો ખુબ જ અલગ છે. આજે એવી પરિસ્થિતી છે કે સુરતમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં બેડ જ ખાલી નથી.શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે ઓક્સિજનનો પુરવઠો ખૂટી રહ્યો છે. જેટલી ઓક્સિજનની જરૂરિયાત છે તેની સામે માત્ર અડધો જ પુરવઠો ઉપલબ્ધ છે.સારવાર લઈ રહેલા દર્દીઓના શ્વાસ પ્રાણવાયુ વગર રૂંધાઈ રહ્યા છે.
સુરત શહેરમાં કોરોના સંક્રમણ ભયંકર રીતે વધતા,સ્થિતિ ખૂબ જ ભયાવહ થઈ ગઈ છે.તેનો ચિતાર એના પરથી લાગી શકાય છે કે દર્દીઓ માટે ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો નથી.કારણ કે સરકારે ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી કોઇ વ્યવસ્થા જ ગોઠવી નથી.સુરત શહેરમાં ઓક્સિજન સપ્લાયના મુખ્ય વિક્રેતા એ. ડી. મોરે સન્સના યોગેશભાઈ મોરેએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા સરકારી હોસ્પિટલો સિવિલ અને સ્મીમેર સહિતની શહેરની 50 ટકા હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે.જ્યારે પરિસ્થિતિ સામાન્ય હતી ત્યારે રોજ 20 ટન જેટલો ઓક્સિજન પુરવઠો સપ્લાય કરવામાં આવતો હતો.હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજ 200 ટન થી વધુ ઓક્સિજન પુરવઠાની માગ રહે છે.પણ તેની સામે 100 ટન જેટલો ઓક્સિજનનો પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. માગ દશ ગણી વધી ગઈ છે પરતું તેની સામે ફક્ત 50 ટકા જ પુરવઠો સપ્લાય કરી શકાય છે.
સ્મીમેર હોસ્પિટલમાં રોજના 20 થી 25 ટન ઓક્સિજન પુરવઠો આપવામાં આવે છે,જ્યારે નવી સિવિલમાં રોજના 35 થી 40 ટન ઓક્સિજન પુરવઠો આપવામાં આવે છે.ત્યાં ઓક્સિજન સ્ટોરેજ માટે મોટી ટેન્ક બનાવવામાં આવી છે.એટલે ત્યાં પુરવઠો સપ્લાય કરવો સરળ રહે છે.જ્યારે ખાનગી હોસ્પિટલમાં પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરવામાં આવે છે.શહેરની ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય દિવસોમાં રોજના 7 ક્યુબિક મીટરના 300 થી 400 ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરવામાં આવતા હતા.હવે રોજના 5000 થી વધુ ઓક્સિજન સિલિન્ડરની માગ રહે છે પરતું ઓક્સિજનની તંગી છે.


