સુરત : ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે હાઈકોર્ટ દ્વારા રાજયમાં ત્રણથી ચાર દિવસના કફર્યુ સહિતના જે નિર્દેશ આપ્યા છે તેના પર પ્રતિભાવ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજય સરકાર હાઈકોર્ટનાં આ નિર્દેશ ઉપર વિચારણા કરશે.
આજે સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મને મિડીયા દ્વારા હાઈકોર્ટનાં આ અભિપ્રાયની જાણ થઈ છે અને અમોએ એડવોકેટ જનરલ કમલભાઈ ત્રીવેદીને રિપોર્ટ આપવા જણાવાયું છે.મુખ્યમંત્રીએ જોકે ત્રણ કે ચાર દિવસનો કફર્યુ આવશે કે કેમ તે અંગે કોઈ સીધો જવાબ ટાળ્યો હતો અને જણાવ્યુ હતું કે લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે જોવા રાજય સરકાર આતુર છે અને તે મુજબ નિર્ણય લેવાશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ આ અંગે આજે અથવા આવતીકાલે નિર્ણય લેવાશે.શ્રી રૂપાણીએ આ ઉપરાંત સરકાર લોકડાઉન ભણી વિચારતી નથી તેવો સંકેત આપતા કહ્યું કે ગત વર્ષે પરિસ્થિતિ અલગ હતી. આપણી પાસે અત્યારે વેકસીન છે અને તે આપણા માટે સૌથી મોટુ હથીયાર છે. રાજય સરકાર વેકસીનેશનની ઝડપ વધારી રહી છે અને રોજના 4 લાખ લોકોને વેકસીન અપાઈ રહી છે.ઉપરાંત 40 દિવસ પછી બીજા ડોઝનો પણ રાઉન્ડ શરૂ થશે.મુખ્યમંત્રીએ એક વિધાનમાં કહ્યું કે વેકસીન અને માસ્ક એ બે કોરોના સામેના મુખ્ય હથીયાર છે.તેમણે આ ઉપરાંત એમ પણ જણાવ્યું કે જે લોકો નિયમીત માસ્ક પહેરે છે તેમાં 98% ને કોરોનાનું સંક્રમણ લાગ્યુ નથી તેવો અભ્યાસ છે તેમણે આ ઉપરાંત ટેસ્ટ,ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની જે વાત કરી હતી અને ઉમેર્યું હતું કે રાજયમાં બાળકોમાં પણ કોરોના સંક્રમણ ફેલાયુ છે તે અમારા માટે પણ ચિંતાનો વિષય છે અને સરકાર તે માટે આવશ્યક પગલા લેશે.એક મહત્વની જાહેરાતમાં મુખ્યમંત્રીએ બેડ ધરાવતા નાના કલીનીક છે ત્યાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા અને બહારી લક્ષણ ન ધરાવતા દર્દીઓને સારવાર અપાશે.આ માટે રાજય સરકારે નાના કલીનીકને કોવિડ સેન્ટરમાં ફેરવવાની છૂટ આપી છે જયાં વેન્ટીલેટર જેવી સુવિધા નહિં હોય પરંતુ સામાન્ય દર્દીઓના ઈલાજ થઈ શકશે અને તેના કારણે મોટી હોસ્પીટલોમાં વેન્ટીલેટર સહિતની સુવિધા છે ત્યાં દર્દીઓનો ઘસારો ઘટશે અને ગંભીર દર્દીઓને સારવાર આપી શકાશે.મુખ્યમંત્રીએ રાજયમાં રેમડેસીવીર ઈન્જેકશનની અછત નિવારવા માટે સરકારે કેડીલાને ત્રણ લાખ ઈન્જેકશનનો ઓર્ડર આપ્યો હોવાનુ જણાવ્યું હતું અને રોજના 20 થી 25 હજાર ઈન્જેકશનની સપ્લાય શરૂ થઈ જશે.


