– કોરોનાના વધતાં કેસો વચ્ચે ચેઇન તોડવા માટે આ પગલાં ભરવામાં આવી રહ્યાં છે
દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે દેશમાં ફરી કડકાઇનો સમય પરત ફર્યો છે.દેશના ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.કેટલાક રાજ્યો લોકડાઉન તરફ વળ્યા છે.દેશના કેટલાક શહેરોમાં આજથી વીકેન્ડ લોકડાઉનની શરૂઆત થશે. કોરોનાના વધતાં કેસો વચ્ચે ચેઇન તોડવા માટે આ પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.આવામાં આજથી ત્યાં સમગ્ર એપ્રિલમાં વીકેન્ડ લોકડાઉન લાગુ થશે.શુક્રવાર સાંજથી સોમવારે સવાર સુધી અહીં લોકડાઉન રહેશે.મુંબઇ,નાગપુર,નાસિક,થાણે,પુણે જેવા શહેરોમાં કોરોના વાયરસ ઘણો ઝડપથી પ્રસરી રહ્યો છે.આ શહેરોમાં પણ વીકેન્ડ લોકડાઉન આજથી શરૂ થશે.મુંબઇમાં લોકડાઉનની શરૂઆત પહેલાં આજે સવારે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
મધ્ય પ્રદેશના તમામ શહેરોમાં પણ હવે વીકેન્ડ લોકડાઉન લગાવવામાં આવશે.ભોપાલ,ઇન્દોર,છિંદવાડા,ગ્વાલિયર,જબલપુર સહિત દરેક શહેરી વિસ્તાર લોકડાઉન રહેશે.અહીં શુક્રવારે સાંજે ૬થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન રહેશે.મધ્ય પ્રદેશના છિંદવાડામાં ૮ એપ્રિલથી ૭ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગી ચૂક્યો છે.કોલારમાં ૯ એપ્રિલથી ૯ દિવસ માટે લોકડાઉન છે. શાઝાપુરમાં પણ આજથી બે દિવસનું લોકડાઉન છે.
છત્તીસગઢના રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યો છે.રાયપુરમાં ૯થી ૧૯ એપ્રિલ સુધી બધુ જ બંધ રહેશે. એટલે કે ગયા વર્ષ જેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે.છત્તીસગઢના દુર્ગમાં પણ લોકડાઉન લાગુ છે.અહીં ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન લાદવામાં આવ્યો છે.