– ‘શું પાટીલ માત્ર સુરતના જ પ્રમુખ છે,કોવિડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો આ તેમનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ’
– સેવા જ કરવી હોય તો ભાજપનાં બધાં કાર્યાલય પરથી રેમડેસિવિરને મફત વહેંચવાં જોઈએ : જયરાજસિંહ
– ભાજપ સરકારે પોતાના મળતિયાઓને કાળાં બજાર કરવાની છૂટ આપી : મનીષ દોશી
કોરોનાના દર્દીના સગા રેમડેસિવિર ઇન્જેક્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. જોકે ઝાયડસ હોસ્પિટલે શનિવારથી રેમડેસિવિર ઇન્જેક્શનનો પુરવઠો ઉપલબ્ધ નહીં હોવાની જાહેરાત કરતાં લોકોની રહીસહી આશા પર પાણી ફરી વળ્યું છે.કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહે આક્ષેપ કરતાં કહ્યું છે કે ગુજરાતની જનતા પોતાનાં પરિવારજનોના જીવ બચાવવા માત્ર છ ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેરમાં સંપર્કો અને હડિયાપટી કરતા લોકો માટે રેમડેસિવિર મેળવવાં મુશ્કેલ છે.રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહીં એવી સ્થિતિમાં સી.આર.પાટીલ પાંચ હજાર ઈન્જેકશન કયા સોર્સથી લાવ્યાં,આ અતિ ગંભીર સવાલ છે.તેમણે એવો ટોણો પણ માર્યો હતો કે સેવા માત્ર સુરતમાં જ કેમ? શું પાટીલ માત્ર સુરતના જ પ્રમુખ છે?સેવા કરવી જ હોય તો ભાજપનાં તમામ કાર્યાલય પરથી રેમડેસિવિર મફત વહેંચવાં જોઈએ.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જી, એક તરફ રેમડેસિવિર ઈન્જેક્શન માટે હજારો લોકો લાઈનમાં ઉભા રહ્યાં છે. ક્યાંય પણ સ્ટોક નથી.ઈન્જેક્શન વિના લોકો મરી રહ્યાં છે.ત્યારે ભાજપના અધ્યક્ષ પાટીલ ભાઉ પાસે પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો? આ માત્ર રાજનીતિ નહીં પણ ક્રિમિનલ એક્ટ પણ છે.
કોરોનાની વેક્સિન પેજપ્રમુખો અને ભાજપ કાર્યકરો દ્વારા અપાવવાના રાજકીય પ્રયાસ બાદ સી.આર. પાટીલનું કોવિડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ છે. પ્રજાને સીધો સંદેશ છે કે તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે, મેડિકલ સ્ટોર્સ કે દવાખાનાં નહીં.આખી સિસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદે અને અમાનવીય છે.હજુ ગઈકાલે જ રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલથી ખાનગી દવાખાનાંને અપાતો રેમડેસિવિરનો સપ્લાઇ બંધ કર્યો છે; ત્યારે આ સપ્લાઇ સીધો ભાજપ કાર્યાલય ખાતે તો નથી કરી દીધો ને? આ શંકા થવી સ્વાભાવિક છે.શું ડોક્ટરોએ પણ હવે તેમના દર્દીને મેડિકલ સ્ટોર્સને બદલે કમલમ મોકલવા પડશે?
ભાજપના પ્રદેશપ્રમુખ પાટીલજીએ સેવા કરવી હોય તો આખાય ગુજરાત ભાજપનાં તમામ કાર્યાલયો પરથી રેમડેસિવિર મફત વહેંચવાં જોઈએ.વળી, છ ઈન્જેકશન એક દર્દીને જરૂરી છે ત્યારે દર્દીદીઠ એક ઈન્જેક્શન વહેંચી જાણે થોડાક શ્વાસ ઉધાર આપવાની નિર્દયતા છલકાય છે.જો તમારે સેવા જ કરવી હોય તો તમામ જિલ્લા સ્તરે બનાવેલાં વૈભવી કાર્યાલયો લોકોને ક્વોરન્ટીન કરવા ખુલ્લાં મૂકે.એ ઉપરાંત સંઘ સ્વયંસેવકો ને પેજપ્રમુખોને ચાકરી સોંપે.
ભાજપ સરકારે રસીકરણનું રાજકારણ કર્યું
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે રસીકરણનું રાજકરણ કર્યું છે.સરકારે પોતાના મળતિયાઓને કાળાં બજાર કરવાની છૂટ આપી છે.કેન્દ્રની ટીમે સુરત,વડોદરા,રાજકોટ અને અમદાવાદમાં કાળાં બજાર થઈ રહ્યા હોવાનું કહ્યું હતું.ઝાયડસ હોસ્પિટલમાંથી 800માં ઈન્જેક્શનની વ્યવસ્થામાં મદદ કરવાની જરૂર હતી, પરંતુ સરકારે ઈન્જેક્શનની વ્યવસ્થાને તોડવાનું કામ કર્યું છે.સુરતમાં ભાજપને ફાર્માસિસ્ટ તરીકે ઈન્જેક્શનનું વેચાણ કરવાની પરવાનગી કોણે આપી,એવો પણ તેમણે સવાલ કર્યો હતો.દર્દીઓ માટે જરૂરી ઈન્જેક્શનની હોસ્પિટલમાં વ્યવસ્થા કરવાની હોય,પરંતુ ભાજપ કાર્યાલયથી વેચાણ કરવાની પરવાનગી કોણે આપી.સરકારી હોસ્પિટલમાં સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે.


