દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના 50 ટકા કર્મચારી કોરોનાના ઝપટમાં આવી ગયા છે.
એવામાં હવે તમામ જજ તેમના ઘરેથી વીડિયો કોન્ફ્રન્સિંગ મારફતે સુનાવણી હાથ ધરશે. જ્યારે બેન્ચ પણ નક્કી કરેલા સમયથી એક કલાક મોડેથી બેસશે.કોરોનાના કેસોને જોતા કોર્ટ રૂમ સહિત આખી કોર્ટને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે.જોકે સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટ તંત્રએ કોરોના પોઝિટિવ કર્મચારીના કોઈ આંકડા જાહેર નથી કર્યા.
મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના જજોને સીધી રીતે સેવા આપતા અંદાજે 50 ટકા કર્મચારી અત્યાર સુધી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.એવામાં જજ આજે તેમના ઘરેથી કેસોની સુનાવણી હાથ ધરશે.માહિતી મળી છે કે જે કેસની સુનાવણી 10.30 કલાકે થવાની હતી હવે તેની સુનાવણી 11.30 કલાકે થશે.આ ઉપરાંત જે કેસોની સુનાવણી 11 કલાકે થવાની હતી, તેની સુનાવણી હવે 12 કલાકે થશે.
દેશમાં રવિવારે રેકોર્ડબ્રેક 1.83 લાખ કોરોના કેસ નોંધાયા
ભારતમાં કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે.દરરોજ રેકોર્ડબ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે.જ્યારે છેલ્લા 24 કલાકના દૈનિક કેસોએ તો વૈશ્વિક સ્તરે પણ રેકોર્ડ તોડયો હતો. 24 કલાકમાં કોરોનાના1.83 લાખ કેસો સામે આવ્યા હતા,જેને પગલે દૈનિક કેસો બાબતે ભારત વિશ્વમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચ્યું છે.ખાસ કરીને હિંદી ભાષી રાજ્યોમાં કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે.
માત્ર છ દિવસ પહેલા જ કોરોનાના દૈનિક કેસોનો આંકડો એક લાખને પાર પહોંચ્યો હતો અને હવે તે દોઢ લાખને વટાવી ચુક્યો છે.એટલે કે માત્ર એક સપ્તાહમાં જ દૈનિક કેસોમાં સીધો 50 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.
જે સાથે જ એક જ દિવસમાં વધુ 839 લોકોના મોત નિપજ્યા હતા જે ગત વર્ષે16મી ઓક્ટોબર પછી સૌથી વધુ છે.જોકે કોરોના મહામારીની પહેલી લહેરમાં જેટલા મોતના આંકડા દરરોજ સામે આવતા હતા તેની સરખામણીએ બીજી લહેરમાં ઓછા જોવા મળી રહ્યા છે.
જ્યારે દેશમાં પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યા વધીને11 લાખને પાર પહોંચી ગઇ છે જે કુલ કેસોના 8.29 ટકા છે.માત્ર 24 કલાકમાં જ 61,456 એક્ટિવ કેસોનો ઉમેરો થયો હતો.આ સાથે કુલ કેસ1,35,09,746 થયા છે.બીજી તરફ મૃત્યુઆંક1,67,275ને પાર પહોંચી ગયો છે.

