કોંગ્રેસના નેતા સામે અમદાવાદ કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું
પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે 2015ના વર્ષમાં પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં થયેલા કેસમાં ધરપકડ સામે 6 માર્ચ સુધી રાહત આપી છે. અગાઉ કોર્ટમાં સુનાવણી માટે હાજર નહીં રહેનાર હાર્દિક વિરુદ્ધ અમદાવાદની કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું. હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી વચગાળાની રાહત આપતા ધરપકડ નહીં કરવા આદેશ કર્યો છે. 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસમાં હાર્દિકને સુપ્રીમમાં આંશિક રાહત આપી છે.
હાર્દિક પટેલે તેની વિરુદ્ધ કરાયેલા કેસોને રદ કરવા અંગે કરેલી અરજીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ યુ યુ લલિત અને વિનીત સરણની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. બેન્ચે સરકારને જણાવ્યું હતું કે 2015માં કેસ કરાયેલો છે અને હજુ સુધી તપાસ બાકી છે. કેસને પાંચ વર્ષ સુધી લટકાવીને રાખી શકાય નહીં.
હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ અનામત માટે અમદાવાદમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું અને આ રેલીમાં ગેરકાયદેસર રીતે એકત્ર થવા માટે એક ફરિયાદ નોંધવામાં આવી હતી કારણ કે પોલીસનો દાવો હતો કે આ રેલી માટે મંજૂરી અપાઈ નહતી.