સુરત,15 એપ્રિલ : સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી ટીપી-16માં શ્રીપદ નામે પ્રોજેક્ટ કરતા બિલ્ડરે અંદાજે 10 વર્ષ કરતા જુના 10 વૃક્ષોને કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે અને આ બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે.સુરત શહેરમાં દિવસે દિવસે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં વધારો થઇ રહ્યો છે અને નવી નવી કન્સ્ટ્રક્શન સાઈટો માટે હરિયાળા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેના માટે સુરત મનપા સહિતનું તંત્ર પણ જવાબદાર છે.સુરત શહેરના પાલમાં મોટા પાયે અનેકવિધ કન્સ્ટ્રક્શન સાઈટો ચાલી રહી છે.ત્યારે પાલના ટીપી-16માં શ્રીપદ નામે કન્સ્ટ્રક્શન કરતા બિલ્ડરે પોતાની મનમાની કરીને 10 વર્ષ કરતા જુના 10 વૃક્ષોને કાપી નાખતા સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે.
જોકે,આ ઘટના અંગે મનપાને જાણ થતા તંત્રએ બિલ્ડરને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.જોકે,આ દંડ વસૂલી કરીને મનપાએ જે સંતોષ માન્યો છે તેની સામે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ છે કારણ કે,જો આજ રીતે તંત્ર કરશે તો આગામી સમયમાં સુરત શહેરમાંથી વૃક્ષોનું મોટા પાયે બિલ્ડરો નિકંદન કાઢી નાખશે અને દંડ ભરીને છૂટી જશે.એક તરફ સમગ્ર વિશ્વ ગ્લાબલ વોર્મિંગનો ભોગ બની રહ્યું છે.વૈશ્વિક મહામારી કોરોનામાં દર્દીઓ ઓક્સિજન મેળવવા ફાંફા મારી રહયા છે.ત્યારે જીવન પર્યન્ત મફતમાં સતત ઓક્સિજન આપતા વૃક્ષોનું જતન કરવાને બદલે બિલ્ડરો નિકંદન કાઢી રહ્યા છે.આવા લોકો સામે આકરીમાં આકરી કાર્યવાહી થવી જોઈએ તો અને તો જ પરાયવર્ણનું સંતુલન જળવાશે અન્યથા માનવીને જીવવું મુશ્કેલ બની જશે.આ સમગ્ર મામલે સામાજિક અગ્રણી મહેશભાઈ પટેલે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે
પાલમાં વૃક્ષોના આ કઢાયેલા નિકંદન અંગે પૂર્વ નગરસેવક ઉષાબેન પટેલે મનપા કમિશનર આ અંગે વિજિલન્સને તપાસ સોંપી પોલીસ ફરિયાદ કરાવે તેવી પણ માંગ કરી છે.અને જો પોલીસ ફરિયાદ નહીં કરવામાં આવે તો આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે.જે હોય તે પણ એક વાત નક્કી છે કે બિલ્ડરો પોતાના લાભ માટે વૃક્ષોને જે રીતે કાપી રહ્યા છે ત્યારે,તેની વિરુદ્ધ આકરી કર્યવાહી થવી જ જોઈએ…હવે જોવું રહ્યું કે મનપા કોઈ કાર્યવાહી કરે છે કે પછી થતું આવ્યું છે તેમ આ પ્રકરણમાં પણ ભીનું સંકેલાઇ જશે ?


