– દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
– આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના યુવાઓને પણ વેક્સિન લેવા અનુરોધ કર્યો
ગાંધીનગર : દેશના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે,જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે કોરોનાની વેકિસન લીધી.મુખ્યમંત્રીએ સેક્ટર-8ના સરકારી હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.વેક્સિન લેવાની હોવાથી તેઓ ટીશર્ટ પહેરીને આવ્યા હતા.તેમણે સૌપ્રથમ પોતાનું આધારકાર્ડ બતાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યાર બાદ વેક્સિન લીધી હતી.નોંધનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થઈ ગયા હતા, એ બાદ તેઓ વેક્સિન લઈ શક્યા નહોતા,આથી તેમણે હવે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.
કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી કહ્યું હતું કે કોરોનાથી બચવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર છે,જે આપણને મળ્યું છે.ત્યારે હાલ રાજયમાં 45 વર્ષથી ઉપરની વ્યકિતઓ માટે અને આગામી તા.1લી મેથી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનારા રસીકરણ કાર્યક્રમમાં સૌ યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ હતું કે પ્રવર્તમાન સંજોગોમાં બીજું સંક્રમણ વધુ વ્યાપક છે અને સંક્રમણ ઝડપથી પ્રસરે છે ત્યારે વેકિસન જ અમોઘ શસ્ત્ર પુરવાર થશે,એટલે 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો અને જે લોકોને કોરોના થઈ ગયો હોય તેમણે પણ ડૉકટરની સલાહ મુજબ વેકિસનના બન્ને ડોઝ લઈ લેવા અપીલ કરી છે.આગામી તા.1 લી મેથી 18 વર્ષથી ઉપરના યુવાઓને રસી આપવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે એ મુજબ ગુજરાત સરકારે પણ આ અંગે આગોતરું આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે એટલે યુવાઓ પણ વેકિસન લઈ લે એ અત્યંત જરૂરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.