સુરત જિલ્લામાં 64 વેન્ટિલેટર ફાળવાયા, પણ ઑક્સીજનના અભાવે શોભાના ગાંઠિયા ; ફોટો સેશન્સ કરી ભાજપના સંદીપ દેસાઇ વાહવાહી લૂંટવાની કોશિશ

296

સુરત : સુરત જિલ્લામાં સરકાર દ્વારા 64 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે.ભાજપના નેતાઓએ ફોટો સેશન્સ કરીને જાહેરાત તો કરી દીધી પરંતુ ઑક્સીજનના અભાવે આ તમામ વેન્ટિલેટર શોભા ગાંઠિયા બની રહે તેવી સંભાવના છે.બીજી તરફ આ વેન્ટિલેટરોમાં મોટા ભાગના વેન્ટિલેટર ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા છે.આવી હોસ્પિટલમાં જરૂરિયાત મંદ અને સામાન્ય દર્દીઓ લાભ લઈ શકે એવી આશા નહિવત જણાય રહી છે.જે બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લામાં ઑક્સીજનના અભાવે માંડવી અને બારડોલીની સરકારી હોસ્પિટલો ઉપરાંત કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ નવા દર્દીઓને દાખલ નહીં કરવાનો નિર્ણય લીધો છે.આવી કપરી સ્થિતિમાં ફોટો સેશન્સ કરી ભાજપના સંદીપ દેસાઇ સહિતની ટીમે સરકાર તરફથી ફાળવેલા વેન્ટિલેટર હોસ્પિટલોને આપી વાહવાહી લૂંટવાની કોશિશ કરી છે.પરંતુ હોસ્પિટલોમાં ઑક્સીજનની અછત હોવાથી આ તમામ વેન્ટિલેટર હાલ તો પ્રાણવાયુ વગરના બની જાય તેવી શક્યતાઓ વર્તાય રહી છે.બારડોલી સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કુલ 64 જેટલા વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ જે સરકારી હોસ્પિટલમાં ફાળવણી કરવામાં આવી છે ત્યાં ઑક્સીજનના અભાવે નવા દર્દીઓ લેવાનું બંધ કર્યું છે.જ્યારે કેટલીક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો કોવિડની સારવાર કરી રહી છે તે વીઆઇપીની જ ટ્રીટમેન્ટમાં વ્યસ્ત હોય અને મોટી રકમના બિલ આવતા હોય ગરીબ અને જરૂરિયાતમંદ તો ઠીક પણ મધ્યમ વર્ગને પણ આ હોસ્પિટલમાં સારવાર લેવું પોષાય તેમ નથી.કેટલાક ભાજપના નેતાઓએ પોતાની સંસ્થાઓમાં જ આ વેન્ટિલેટર મૂકી દેતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. 64 જેટલા વેન્ટિલેટરનો લાભ ગરીબ અને સામાન્ય દર્દીઓને મળી શકશે કે કેમ તેની સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.મહામારીમાં ખાસ કરીને ગામડામાં મધ્યમ વર્ગના લોકોની હાલત ખુબ જ કફોડી થઈ છે.ત્યારે સરકારીની જગ્યાએ ટ્રસ્ટ સંચાલિત અને મોટા બિલ બનાવતી હોસ્પિટલોને વધુ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવતા સરકારની નિયત સામે પણ સવાલો ઊભા થયા છે.

Share Now